એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાની જીત પર કિંગ કોહલીનું રિએક્શન, જુઓ કોના કોના કર્યા વખાણ
IND vs ENG: રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના 269 અને 161 રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંઘમમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંઘમના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના 58 વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ. આ જીત સાથે જ ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈ, ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહની વાપસી થશે.
આ વચ્ચે પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ટીમના આ પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી. ખાસ કરીને ત્યારે જ્યારે ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં નહોતો. કોહલીએ કેપ્ટન શુભમન ગિલની શાનદાર બેટિંગ (પ્રથમ ઈનિંગમાં 269 અને બીજી ઈનિંગમાં 161રન)ની ખૂબ પ્રશંસા કરી. આ સાથે જ ફાસ્ટ બોલર સિરાજ અને આકાશ દીપની શાનદાર બોલિંગની પણ વિશેષ પ્રશંસા કરી.
ટીમ ઈન્ડિયાની જીત પર કિંગ કોહલીનું રિએક્શન
વિરાટ કોહલીએ X પર લખ્યું, 'ભારતની એજબેસ્ટનમાં શાનદાર જીત. નિડર ખેલ અને ઈંગ્લેન્ડને સતત દબાણમાં નાખ્યું. શુભમને બેટિંગ અને કેપ્ટનશીપમાં શાનદાર નેતૃત્વ કર્યું. દરેક ખેલાડીએ યોગદાન આપ્યું. ખાસ કરીને સિરાજ અને આકાશની બોલિંગ પ્રશંસાને પાત્ર રહી.'
શુભમન ગિલે બર્મિંઘમ ટેસ્ટમાં ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો
કેપ્ટન શુભમન ગિલે પણ બર્મિંઘમ ટેસ્ટમાં ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો, ખાસ કરીને પહેલી ટેસ્ટમાં હેડિંગ્લેમાં મળેલી હાર બાદ. 25 વર્ષીય ગિલે કહ્યું કે, 'છેલ્લી હાર બાદ ટીમે બનાવેલી રણનીતિ આ મેચમાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી. બોલિંગ અને ફિલ્ડિંગમાં જે સુધારો થયો તે શાનદાર હતો.'
આ પણ વાંચો: બર્મિંઘમમાં ઐતિહાસિક જીત બાદ શુભમન ગિલે આપી ગુડ ન્યૂઝ, ઈંગ્લેન્ડ માટે ચિંતાનો વિષય
ગિલે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, છેલ્લી મેચ બાદ અમે જે પણ વાતો કરી હતી, તે તમામ બાબત પર અમે બિલકુલ સટીક ઉતર્યા. અમે જે બોલિંગ અને ફિલ્ડિંગનું સ્તર દર્શાવ્યું તે જોવા જેવું હતું. આ પ્રકારની પિચ પર અમે જાણતા હતા કે જો આપણે 400-500 રન બનાવીશું, તો તે પૂરતા હશે. દરેક મેચ હેડિંગ્લે જેવી નથી હોતી.