હવે દેશભક્તિ ક્યાં ગઈ...', યુવરાજ, ધવન અને રૈના જેવા દિગ્ગજો પર કેમ ભડક્યાં ભારતીય ફેન્સ
World Championship of Legends 2025: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025ની શરૂઆત 18 જુલાઈથી થઈ ગઈ છે અને તેમાં ઈન્ડિયા ચેમ્પિયન્સ ટીમ પણ ભાગ લઈ રહી છે. આ સિઝનમાં ફરી એકવાર યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ આ ટીમ પોતાના ખિતાબને ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઉતરશે. ભારતે આ લીગની પહેલી સિઝનમાં ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને પહેલી વાર ચેમ્પિયન બનવાનું સન્માન હાંસલ કર્યું હતું.
હવે આ સિઝનમાં ઈન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે 20 જુલાઈના રોજ છે, પરંતુ તે પહેલા વિવાદ છેડાઈ ગયો છે. પાકિસ્તાન સામે મેચ પહેલા ઈન્ડિયા ચેમ્પિયન્સ માટે રમી રહેલા ખેલાડીઓ પર ક્રિકેટ ચાહકો ભડકી ગયા છે અને સોશિયલ મીડિયા પર આ ખેલાડીઓને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
ભારતીય ખેલાડીઓને કરવામાં આવી રહ્યા ટ્રોલ
વાસ્તવમાં થોડા દિવસો પહેલા પહલગામ આતંકવાદી હુમલામાં 26 ભારતીય નાગરિકોની હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ ઘટના પછી ભારતે ઘણા કડક પગલાં લીધાં અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO : શિવભક્તિમાં ડૂબ્યો હાર્દિક પંડ્યા, દીકરા અને ભત્રીજા સાથે કર્યા ભજન-કીર્તન
હવે તમારી દેશભક્તિ ક્યાં ગઈ?
સોશિયલ મીડિયા પર આ મેચ પહેલા ભારતના કેપ્ટન યુવરાજ સિંહ, સુરેશ રૈના, શિખર ધવન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા ખેલાડીઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે તમારી દેશભક્તિ ક્યાં ગઈ. યુઝર્સનું માનવું છે કે પાકિસ્તાન સામે રમવું એ દેશ સાથે ગદ્દારી છે, જ્યારે કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે જો તમે પાકિસ્તાન સાથે રમી રહ્યા છો તો દેશમાં પાછા ન ફરશો. લોકો BCCI પાસે પણ આ મેચ રદ કરવાની માગ કરી રહ્યા છે.