હિન્દુ હોવા છતાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીનું નામ વોશિંગ્ટન સુંદર કેવી રીતે પડ્યું?
Washington Sundar: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં વોશિંગ્ટન સુંદર બેટિંગ અને બોલિંગ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડ રમત બતાવી રહ્યો છે. પરંતુ, આપણે તેની રમત વિશે પછી ચર્ચા કરીશું. પહેલા આપણે તેના નામની વાત કરીએ, જે હિન્દુ હોવા છતાં તેને કેવી રીતે મળ્યું? ડાબોડી ઓલરાઉન્ડર સુંદરને આ નામ કેમ અને કેવી રીતે મળ્યું? તેની પાછળ એક રસપ્રદ સ્ટોરી છે. પરંતુ, તે સ્ટોરીનો ઉલ્લેખ કરતા પહેલા એ જાણી લઈએ કે, આપણે અહીં તેને મળેલા કયા નામની વાત કરી રહ્યા છે?
વોશિંગ્ટન સુંદરના નામનો રસપ્રદ કિસ્સો
આપણે વાત કરી રહ્યા છીએ વોશિંગ્ટન નામની. હિન્દુ હોવા છતાં વોશિંગ્ટન નામ થોડું વિચિત્ર લાગે છે. આ નામ થોડું ખ્રિસ્તી લાગે છે. પરંતુ ભારતીય ઓલરાઉન્ડરને જે નામ મળ્યું છે તેની પાછળ એક રસપ્રદ સ્ટોરી છે. અને આનાથી શાનદાર સ્ટોરી કોઈ નામ રાખવા પાછળ ભાગ્યે જ હોઈ શકે છે. તો વોશિંગ્ટન નામ પાછળની આ શાનદાર સ્ટોરી વિશે જાણીએ.
આ પણ વાંચો: રિન્કુ સિંહને સપા સાંસદ સાથે સગાઈ ભારે પડી! મતદાતા જાગૃકતા અભિયાન આઇકન પદ ગુમાવ્યું
વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદર ક્રિકેટ રમવા માંગતા હતા. પરંતુ, સારું ક્રિકેટ રમવા છતાં તેઓ તમિલનાડુની મુખ્ય ટીમમાં સ્થાન નહોતા મેળવી શક્યા. પરંતુ, જ્યારે તેઓ નાના હતા અને સ્ટેડિયમમાં ક્રિકેટ રમવા જતા હતા, ત્યારે એક નિવૃત્ત આર્મી ઓફિસર ત્યાં આવતા હતા. તેઓ બાળકોને રમતા જોતા હતા. તે જ બાળકોમાં એક એમ. સુંદર પણ હતા, તેમની રમતથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. આવી સ્થિતિમાં તે નિવૃત ઓફિસરે એમ. સુંદરને કહ્યું તું રમવાનું ચાલુ રાખ. હું તને ભણાવીશ, કિટબેગ આપીશ અને સાયકલ પર સ્કૂલ છોડવા અને લેવા આવીશ. તે નિવૃત્ત અધિકારીએ આવું કર્યું કારણ કે એમ. સુંદર ગરીબ પરિવારમાંથી હતા. તેમના માટે અભ્યાસ અને ક્રિકેટનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો.
હિન્દુ હોવા છતાં આવી રીતે પડ્યું વોશિંગ્ટન નામ
એમ. સુંદરની મદદ કરનારા આ નિવૃત ઓફિસરનું નામ પી.ડી. વોશિંગ્ટન હતું, 1999માં તેમનું નિધન થઈ ગયુ હતું. 1999માં જ એમ. સુંદરની પત્ની એક છોકરાને જન્મ આપે છે, જેના કાનમાં એમ. સુંદર કહે છે - શ્રીનિવાસન. પરંતુ થોડી વાર પછી તેને લાગે છે કે આનું નામ શ્રીનિવાસન ન હોવું જોઈએ. તેના બદલે, છોકરાનું નામ તે વ્યક્તિના નામ પરથી રાખવું જોઈએ જેણે મને સપોર્ટ કર્યો. તેમણે મને ત્યારે સાથ આપ્યો જ્યારે કોઈએ મને સપોર્ટ નહોતો કર્યો. અને પોતાના છોકરાનું નામ વોશિંગ્ટન સુંદર રાખે છે.