રિન્કુ સિંહને સપા સાંસદ સાથે સગાઈ ભારે પડી! મતદાતા જાગૃકતા અભિયાન આઇકન પદ ગુમાવ્યું
Rinku Singh removed as Voter Awareness Icon: IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમનારા ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહને છેલ્લા એક મહિનામાં બે મોટા ફટકા લાગ્યા છે. જેમાં એક તરફ, ઉત્તર પ્રદેશ સરકારે તેને બેઝિક શિક્ષા અધિકારી (BSA) તરીકે નોકરી આપવાની પ્રક્રિયા અટકાવી દીધી છે. તો બીજી તરફ, ભારતના ચૂંટણી પંચે તેને મતદાર જાગૃતિ અભિયાન માટેના 'આઇકન' પદેથી હટાવી દીધો છે.
મતદાર જાગૃતિ અભિયાનના આઇકન પદેથી ક્રિકેટર રિન્કુ સિંહને હટાવાયો
ચૂંટણી પંચે અગાઉ રિન્કુ સિંહને સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગિતા કાર્યક્રમ (SVEEP)નો આઇકન બનાવ્યો હતો. પરંતુ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથેની તેની સગાઈને કારણે શુક્રવારે ચૂંટણી પંચે તેને આ કાર્યક્રમમાંથી અલગ કરવાનો નિર્ણય કર્યો.
ચૂંટણી આયોગે આ બાબતને એક સામાન્ય પ્રક્રિયા ગણાવીને કહ્યું કે કોઈને પણ આઇકન બનાવતા પહેલાં એ જોવામાં આવે છે કે તે વ્યક્તિનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ ન હોય. સાથે જ, ભવિષ્યમાં તેના ચૂંટણી લડવાની પણ કોઈ શક્યતા ન હોય. ચૂંટણી પંચના નિયમો મુજબ, આ પદ માટે રાજકીય રીતે તટસ્થ હોવું ખૂબ જરૂરી છે. પરંતુ રિન્કુ સિંહનો સંબંધ એક રાજકીય પરિવાર સાથે થઈ ગયો છે, તેથી તે આ માપદંડ પર ખરો ઉતરતો નથી. આથી રિન્કુ સિંહને આ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરીને, તેને આઈકન તરીકે ન રાખવાના નિર્ણય પર તેમની સહમતિ પણ લેવામાં આવી છે.
હવે BSA પણ નહીં બની શકે, વિભાગે પ્રક્રિયા રોકી
રિન્કુ સિંહ હવે બેઝિક શિક્ષા અધિકારી (BSA) પણ નહીં બની શકે. બેઝિક શિક્ષા વિભાગે તેની નિમણૂકની પ્રક્રિયા પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દીધો છે. આનું કારણ BSA પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાતનો અભાવ છે. આશરે એક મહિના પહેલાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સારુ પ્રદર્શન કરનારા ખેલાડીઓને જુદા જુદા સરકારી વિભાગોમાં નોકરી આપવાની જાહેરાત થઈ હતી. આ અંતર્ગત, રિન્કુ સિંહને BSA બનાવવા માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. વિભાગે તેની પાસે તેમના એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ માંગ્યું હતું.
આ પણ વાંચો: IND vs ENGની મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: જાયસ્વાલથી ડર્યો ઈંગ્લેન્ડનો કેપ્ટન! જુઓ VIDEO
રિન્કુ સિંહ માત્ર આઠમું ધોરણ પાસ છે
રિન્કુ સિંહ માત્ર આઠમું ધોરણ પાસ છે, જ્યારે BSA બનવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ છે. રિન્કુ સિંહના એજ્યુકેશન ક્વોલિફિકેશન મળ્યા પછી, ફાઇલ મુખ્યમંત્રી પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવી હતી, પરંતુ શૈક્ષણિક લાયકાત ઓછી હોવાને કારણે વિભાગે નિમણૂકની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.