RCB vs KKR : વરસાદના કારણે મેચ રદ, બંને ટીમોને મળ્યા 1-1 પોઇન્ટ, KKR પ્લેઓફની રેસમાંથી બહાર
IPL 2025 RCB vs KKR : પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાઇ હતી. જે પછી આ ટુર્નામેન્ટ આજથી (17 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થઈ. જો કે, આ બીજા તબક્કાની પહેલી જ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. જે પછી બંને ટીમોને એક-એક પોઇન્ટ અપાયા હતા. આ મેચ રદ થતા KKR પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે અને RCB પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની સાથે પ્લેઓફમાં ક્વોલિફાઇ થવા માટે સૌથી મજબૂત ટીમ બની ગઇ છે.
KKR માટે વિલેન બન્યું વરસાદ
RCB અને KKR વચ્ચેની આ મેચ બેંગલુરુના ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની હતી. જો કે, વરસાદના કારણે મચે શરૂ પણ થઇ શકી નહોતી. જે પછી વરસાદ બંધ ન થતા છેવટે મેચ રદ કરવી પડી હતી. મેચ રદ થતા બંને ટીમોને એક-એક પોઇન્ટ અપાયા હતા. આ સાથે જ કોલકાતાની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે કોલકાતાને આજની અને તેની બાકીની વધુ એક મેચમાં જીતની જરૂર હતી. જો કે, વરસાદ આજે KKR માટે વિલેન સાબિત થયું હતું.
RCB પ્લેઓફમાં ક્વોલિફાઇ થવાના દ્વારે
આજની મેચ રદ થતા RCBને ફાયદો થયો છે. KKR પ્લેઓફમાંથી બહાર થતા અને મેચ રદ થતા એક પોઇન્ટ મળતા RCBની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ થવાના દ્વારે પહોંચી ગઇ છે. ટુર્નામેન્ટમાં RCB 12 મેચમાંથી 8 જીત, 3 હાર અને 1 ડ્રો સાથે 17 પોઇન્ટ મેળવ્યા છે. આ સાથે જ RCB પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. આમ હાલ RCB ક્વોલિફાઇ થવા માટે સૌથી મજબૂત દાવેદાર છે.