વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ
Virat Kohli And Rohit Sharma Special Farewell : ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને શાનદાર ફેરવેલ આપવા માટે ખાસ તૈયારીઓ કરી દેવાઈ છે. રોહિત શર્માએ સાતમી મેએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, જ્યારે વિરાટ કોહલીએ 12મીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી, ત્યારે રિપોર્ટ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંને ખેલાડીઓને શાનદાર ફેરવેલ પાર્ટી આપવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.
કોહલી-રોહિતને ફેરવેલ આપવાની તૈયારી
વિરાટ કોહલી અને રોહિત શર્માને ટેસ્ટ ફોર્મેટમાં કંઈ ખાસ ફેરવેલ મળી નથી. હવે બંને દિગ્ગજ ખેલાડીઓ ઈન્ટરનેશનલ લેવલે માત્ર વન-ડે ફોર્મેટમાં રમતા જોવા મળશે. વાસ્તવમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓક્ટોબરમાં ત્રણ વન-ડે મેચ રમાવાની છે. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાવાની હોવાથી કોહલી અને શર્મા ઓક્ટોબરમાં ત્યાં જશે. જેને ધ્યાનેરાખીને રિપોર્ટ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંને ખેલાડીઓને ફેરવેલ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બે મહાન ખેલાડીઓ માટે ખેલાડીઓ તરીકે આ છેલ્લો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ તેને ખૂબ જ ખાસ બનાવવા માંગે છે.
વન-ડે વર્લ્ડકપ-2027માં રમતા જોવા મળશે કોહલી અને શર્મા
લાંબો સમય સુધી ભારતીય ક્રિકેટમાં મહત્ત્વનું યોગદાન આપનાર રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતપોતાની ક્રિકેટ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. રિપોર્ટ મુજબ, બંને સ્ટાર ખેલાડી વન-ડે વર્લ્ડકપ-2027 સુધી રમવા ઈચ્છે છે. બંને દિગ્ગજો આગામી વિશ્વકપ જીતીને જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિદાય લેવા માંગે છે. IPL-2025ની વાત કરીએ તો બંને ખેલાડીઓએ પોતપોતાની ટીમ માટે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આઈપીએલની આ સિઝમાં વિરાટ કોહલીએ પોતાની ફોર્મ સાબિત કરીને અનેક મહત્ત્વની મેચ રમી હતી, જ્યારે રોહિત શર્માએ પણ અનેક મેચોમાં વિસ્ફોટ બેટિંગ કરતો જોવા મળ્યો હતો.