IND vs ENG: ગિલ કે જાડેજા નહીં, વિરાટ કોહલીએ બે ખેલાડીઓને ગણાવ્યા ઓવલ ટેસ્ટના હીરો
Virat Kohli reaction viral after Oval Test: ઓવલમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી અને 6 રનથી મેચ જીતવામાં સફળ રહ્યું. આ જીત સાથે જ ભારતી ટીમે ટેસ્ટ સીરિઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. ઓવલમાં ભારતની જીત બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ટીમને અભિનંદન પાઠવ્યા અને આ સાથે જ એ બે ખેલાડીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો, જેના દમ પર ભારતીય ટીમ ઓવલમાં ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી.
Great win by team india. Resilience and determination from Siraj and Prasidh has given us this phenomenal victory. Special mention to Siraj who will put everything on the line for the team. Extremely happy for him ❤️@mdsirajofficial @prasidh43
— Virat Kohli (@imVkohli) August 4, 2025
વિરાટ કોહલીએ સોશિલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'ટીમ ઈન્ડિયાની શાનદાર જીત. સિરાજ અને પ્રસિદ્ધના દૃઢ નિશ્ચય અને દ્રઢતાએ આપણને આ અભૂતપૂર્વ વિજય અપાવ્યો. સિરાજનો ખાસ ઉલ્લેખ, તેણે ટીમ માટે પોતાનું બધુ દાવ પર લગાવી દીધું. હું તેના માટે ખૂબ ખુશ છું.'
બુમરાહની ગેરહાજરીમાં પણ ભારતીય બોલરોએ ઈતિહાસ રચ્યો
ઓવલ ટેસ્ટમાં સિરાજે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શાનદાર બોલિંગ કરી અને 9 વિકેટ લેવામાં સફળ રહ્યો. સિરાજે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી અને ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો. ઓવલમાં મિયાં મેજિકના દમ પર ભારતીય ટીમ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી અને સીરિઝની બરાબરી કરવામાં સફળ રહી. આ આખી સીરિઝમાં મિયાં મેજિક ચાલ્યુ અને સિરાજે કુલ 23 વિકેટ ખેરવીને ઈતિહાસ રચી દીધો.
આ પણ વાંચો: બ્રેકઅપ પછી દુ:ખ થાય છે', ઓવલમાં જીત બાદ કેમ ભાવુક થયો મોહમ્મદ સિરાજ?
પ્રસિદ્ધ ક્રિષ્નાએ જો રૂટને આઉટ કરીને આખી મેચ પલટી નાખી
બીજી ઈનિંગમાં રૂટે શાનદાર સદીની ઈનિંગ રમીને પોતાની ટીમને જીતની નજીક લઈ જઈ રહ્યો હતો પરંતુ 337 રનના સ્કોર પર પ્રસિદ્ધ ક્રિષ્નાએ દિગ્ગજ રૂટને આઉટ કરીને આખી મેચ પલટી નાખી. ઈંગ્લેન્ડને જીતવા માટે માત્ર 37 રનની જરૂર હતી ત્યારે કૃષ્ણાએ રૂટને આઉટ કર્યો. જ્યાં સુધી રૂટ બેટિંગ કરી રહ્યો હતો ત્યાં સુધી ભારત માટે જીત દૂર હતી પરંતુ ક્રિષ્નાએ રૂટને આઉટ કરીને ભારત માટે જીતની આશા જગાડી અને જીતનો પાયો નાખ્યો. કૃષ્ણાએ આ મેચમાં 8 વિકેટ ખેરવી. ઈંગ્લેન્ડની બંને ઈનિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 4-4 વિકેટ લઈને ઐતિહાસિક પ્રદર્શન કર્યું. આ જ કારણ છે કે કોહલીએ બંને ખેલાડીઓને મેચના હીરો ગણાવ્યા છે.