બ્રેકઅપ પછી દુ:ખ થાય છે', ઓવલમાં જીત બાદ કેમ ભાવુક થયો મોહમ્મદ સિરાજ?
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 6 રનથી હરાવીને સીરિઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. મોહમ્મદ સિરાજ ભારતની જીતનો હીરો રહ્યો. તેણે બીજી ઈનિંગમાં 5 વિકેટ અને પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.
સિરાજે છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને 35 રન પણ ન બનાવવા દીધા. મેચ બાદ સિરાજ કેપ્ટન શુભમન ગિલ સાથે પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની લાગણીઓ ખુલીને વ્યક્ત કરી. સિરાજે પોતાના પહેલા પ્રેમ અને બ્રેકઅપમાં થતાં દુ:ખ વિશે પણ જણાવ્યું.
હું ખૂબ ભાવુક હતો
જ્યારે સિરાજને છેલ્લી વિકેટ પછી તેની લાગણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું કે, 'હું તે સમયે ખૂબ જ ભાવુક હતો. દિનેશ કાર્તિકે મને અંગ્રેજીમાં સવાલો પૂછ્યા તો હું સમજી જ ન શક્યો કે, તે સમયે શું કહેવું. ક્રિકેટ મારો પહેલો પ્રેમ છે. હું તેના માટે કંઈ પણ કરી શકું છું. જ્યારે અમે મેચ હારી જઈએ છીએ અથવા સારું પ્રદર્શન ન કરીએ, ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. મેં બાળપણથી અત્યાર સુધી ક્રિકેટ માટે ખૂબ જ મહેનત કરી છે. મને ક્રિકેટથી પ્રેમ છે અને જ્યારે બ્રેકઅપ પછી દુ:ખ તો થાય જ છે.
1000થી વધુ બોલ ફેંક્યા
5 મેચની ટેસ્ટ સીરિઝમાં મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો. તેણે વર્કલોડ મેનેજમેન્ટને બદલે બધી મેચ રમવા પર ભાર મૂક્યો. સિરાજે 5 મેચમાં 1000થી વધુ બોલ ફેંક્યા. ભારતીય ફાસ્ટ બોલરે 185.3 ઓવર ફેંકી અને 32.43ની એવરેજથી 23 વિકેટ ખેરવી. આ દરમિયાન તેણે બે વાર 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી. કેપ્ટન શુભમન ગિલે પણ સિરાજના પ્રદર્શનની પ્રશંસા કરી. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ સિરાજની પ્રશંસા કરી.