Get The App

ICC Champions Trophy: ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર ઈનિંગ રમી કોહલીએ બનાવ્યા પાંચ રેકોર્ડ

Updated: Mar 5th, 2025

GS TEAM


Google News
Google News
ICC Champions Trophy: ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર ઈનિંગ રમી કોહલીએ બનાવ્યા પાંચ રેકોર્ડ 1 - image


Team India Virat Kohli: ટીમ ઈન્ડિયાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. આ સેમિફાઈનલ મેચનો પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી રહ્યો હતો. તેણે 95 બોલમાં પાંચ ચોગ્ગા ફટકારી 84 રન બનાવી ટીમને જીત અપાવવામાં મોટી મદદ કરી હતી. કેએલ રાહુલે છગ્ગાની સાથે મેચને ફિનિશ કરી, પરંતુ આ મેચમાં કિંગ કોહલીએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા અને ઘણા રેકોર્ડ તોડ્યા.

કોહલીના પાંચ નવા રેકોર્ડઃ

1. વિરાટ કોહલી આઈસીસી વનડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 50થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. આઈસીસી વનડે ટૂર્નામેન્ટમાં વિરાટની આ 24મી અર્ધસદી હતી. તેણે છ સદી અને 18 અર્ધસદી ફટકારી છે. આ મામલે તેણે માસ્ટરબ્લાસ્ટર સચિન તેંદુલકરને પણ પાછળ પાડ્યો છે. સચિને 23 વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપમાં 50થી વધુ સ્કોર બનાવ્યો છે. જેમાં સાત સદી અને 16 અર્ધસદી સામેલ છે.

2. વિરાટ કોહલી આઈસીસી ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલામાં સૌથી મોટો ખેલાડી બન્યો છે. તે ટી20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી તથા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની નોકઆઉટ મેચમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર ટોચનો બેટર છે. અત્યારસુધી તેણે 53.84ની એવરેજે 1023 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને નવ અર્ધસદી સામેલ છે.

3. વિરાટ કોહલી હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારો બેટર બન્યો છે. તેણે 17 મેચની 16 ઈનિંગમાં 82.88ની એવરેજે 746 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને છ અર્ધસદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી ઓપનર ક્રિસ ગેલ છે. તેણે 17 મેચમાં 52.73ની એવરેજે 791 રન બનાવ્યા હતાં. જેમાં ત્રણ સદી અને એક અર્ધસદી સામેલ હતી.

આ પણ વાંચોઃ સેમિફાઈનલમાં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન થયો દુઃખી, નિરાશા સાથે ક્યાં થઈ ચૂક જણાવ્યું

4. વિરાટ કોહલી પોતાના આદર્શ સચિન તેંદુલકર બાદ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રન ચેજ 8000 રન પૂરા કરનારો બીજો ખેલાડી બન્યો છે. 237 ખેલાડીઓમાંથી કોહલીએ 60થી વધુની એવરેજ સાથે વનડે રન-ચેજમાં ઓછામાં ઓછા 1000 રન બનાવ્યા છે. ટાર્ગેટનો પીછો કરતાં 170 વનડે મેચમાં વિરાટે 64.50ની એવરેજે કુલ 8063 રન બનાવ્યા છે. જેમાં 28 સદી અને 41 અર્ધસદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 છે.

5. ટાર્ગેટનો પીછો કરતાં ટીમને જીત અપાવવામાં ફાળો આપનારો કોહલી અત્યારસુધીનો સૌથી મહાન ખેલાડી છે. તેણે સૌથી વધુ રન-ચેજ કરી જીત હાંસલ કરાવી છે. 105 મેચ અને 99 ઈનિંગમાં 89.59ની એવરેજે 5913 રન બનાવ્યા છે. જેમાં 24 સદી અને 25 અર્ધસદી સામેલ છે.

ICC Champions Trophy: ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર ઈનિંગ રમી કોહલીએ બનાવ્યા પાંચ રેકોર્ડ 2 - image

Tags :