'ટીમને તોડી પડાઈ..', કોહલીના ભાઈનો BCCI સામે ગંભીર આરોપ, વિરાટ-રોહિત અંગે સનસનીખેજ દાવો

| (IMAGE - IANS) |
Virat Kohli Brother Slams BCCI: ભારતીય ક્રિકેટ ટીમ માટે હાલના સંજોગો સારા નથી. ટીમ જ્યારે 12 મહિનામાં બીજી વખત ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવોશ થવાની આરે ઊભી છે, ત્યારે વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ મોટો વિવાદ ઊભો કર્યો છે. વિકાસ કોહલીએ સીધેસીધા હેડ કોચ ગૌતમ ગંભીર અને સિલેકશન કમિટીના અધ્યક્ષ અજીત અગરકર પર આકરા પ્રહારો કર્યા છે અને તેમને ટીમની કથળતી હાલત માટે જવાબદાર ઠેરવ્યા છે. ગુવાહાટી ટેસ્ટમાં ભારત 549 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતાં ચોથા દિવસે જ મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયું, તે જ સમયે વિકાસ કોહલીએ આ નિવેદન આપ્યું હતું, જોકે બાદમાં તેમની પોસ્ટ ડિલીટ કરી દેવાઈ હતી, પણ ત્યાં સુધીમાં તે વાઇરલ થઈ ચૂકી હતી.
કોહલી યુગની સફળતા vs વર્તમાન સ્થિતિનો તફાવત
વિરાટ કોહલીના યુગમાં ભારતીય ટીમનો દબદબો સ્પષ્ટ હતો. ડિસેમ્બર 2012થી ઑક્ટોબર 2024 સુધીના લાંબા ગાળામાં ભારતે ઘરઆંગણે એક પણ ટેસ્ટ સિરીઝ ગુમાવી નહોતી. કોહલીની કૅપ્ટનશીપ હેઠળ જ આ મજબૂત ટીમનું નિર્માણ થયું હતું. 2022ની શરુઆતમાં તેણે કૅપ્ટન્સી રોહિત શર્માને સોંપી. કોહલીના કાર્યકાળની સફળતા માત્ર ડોમેસ્ટિક મેચ પૂરતી સીમિત નહોતી, ભારતે ઓસ્ટ્રેલિયામાં સતત બે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતીને વિશ્વની સૌથી સફળ વિદેશી ટીમોમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું.
બિનજરૂરી અને જિદ્દી ફેરફારોથી ટીમ નબળી પડી: વિકાસ કોહલી
વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ પર પોસ્ટ કરીને ભૂતકાળ અને વર્તમાન ટીમની સ્થિતિ વચ્ચેનો મોટો તફાવત દર્શાવ્યો અને આકરો પ્રહાર કર્યો. તેમણે સીધો આરોપ મૂક્યો કે BCCI દ્વારા કરાયેલા 'બિનજરૂરી અને જિદ્દી ફેરફારો'ને કારણે જ ટીમની આ નિરાશાજનક સ્થિતિ સર્જાઈ છે. જે ટીમ એક સમયે વિદેશી ધરતી પર જીતનું લક્ષ્ય રાખતી હતી, તે આજે પોતાના જ ઘરઆંગણે મેચ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. એક સમય હતો જ્યારે અમે વિદેશમાં જીતવા નીકળતા હતા…હવે અમે ભારતમાં પણ મેચ બચાવવા ઉતરી રહ્યા છીએ…જ્યારે તમે બરાબર ચાલી રહેલી વસ્તુઓને બળજબરીથી બદલો છો, ત્યારે આવું જ થાય છે.'

સિનિયર્સ બહાર, ટીમમાં માત્ર ઓલરાઉન્ડર્સ
એક અન્ય પોસ્ટમાં વિકાસે એક દાવો એવો પણ કર્યો હતો કે, 'રોહિત અને કોહલીએ ટેસ્ટ ક્રિકેટ છોડ્યું નહોતું, પરંતુ તેમને હટાવાયા હતા.' વિકાસે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમની રચનાની તુલના કરતાં કહ્યું કે, 'પ્રોટિયાઝે(શુદ્ધ ટેસ્ટ ટીમ) ઉતારી છે, જ્યારે ભારતે સિનિયરને બહાર કરી, બેટર્સની જગ્યાએ ઓલરાઉન્ડરથી ટીમ ભરી દીધી, અહીં સુધી કે વોશિંગ્ટન સુંદરને નંબર 3 પર મોકલી દેવાયો.'
આ અંગે વિકાસ કોહલીએ વધુમાં લખ્યું હતું કે, 'ટીમ ઇન્ડિયાની રણનીતિ: સિનિયર ખેલાડીઓને હટાવો, 3/4/5 નંબરના સાચા બેટર્સને હટાવો, નંબર 3 પર બોલરને રમાડો, ટીમમાં માત્ર ઓલરાઉન્ડર ભરો.'
'જયારે સાઉથ આફ્રિકાની રણનીતિ: સ્પેશિયાલિસ્ટ ઓપનર, સ્પેશિયાલિસ્ટ મિડલ ઑર્ડર, સ્પેશિયાલિસ્ટ સ્પિનર, સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર… અને માત્ર એક ઓલરાઉન્ડર.'
'હવે સવાલ પૂછવો જરૂરી છે – જવાબદાર કોણ?'

આ પણ વાંચો: IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય, દ.આફ્રિકાએ 25 વર્ષ બાદ વ્હાઈટ વૉશ કર્યું
ગંભીરના કોચિંગમાં બીજી વખત 'વ્હાઇટવોશ'નું જોખમ અને WTCની સ્થિતિ
ગૌતમ ગંભીર ગયા જુલાઈમાં હેડ કોચ બન્યા ત્યારથી, ભારતને ચાર ડોમેસ્ટિક ટેસ્ટ એસાઇનમેન્ટમાં બીજી વખત વ્હાઇટવોશ થવાનો ખતરો છે. કોચિંગની શરુઆત બાંગ્લાદેશ સામે જીત સાથે થઈ હતી, પરંતુ ત્યારબાદ ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડ સામે હારી ગઈ અને ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ ગુમાવી. આ નબળા પ્રદર્શનને કારણે ભારત WTC(વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું છે.
કોહલી, રોહિત અને અશ્વિનના સંન્યાસ લીધા પછી, શુભમન ગિલની કૅપ્ટનશીપ હેઠળ ભારતે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ 2-2થી બરાબર કરી, જોકે નબળી ઇંગ્લિશ ટીમને હરાવવાની અપેક્ષા હતી. વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે મળેલી જીતથી થોડી રાહત મળી, પરંતુ સાઉથ આફ્રિકા સામેના પ્રદર્શને સ્પષ્ટ કરી દીધું છે કે ટેસ્ટ ક્રિકેટમાં ભારતની મુશ્કેલીઓ હજી પૂરી થઈ નથી.


