પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કાંબલીને હવે બોલવામાં પણ તકલીફ પડી રહી છે.... ભાઈ વીરેન્દ્રએ આપી લેટેસ્ટ અપડેટ
Vinod Kambli Health Update: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિનોદ કાંબલી છેલ્લા કેટલાક સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે નાના ભાઈ વીરેન્દ્ર કાંબલીએ તેમના સ્વાસ્થ્ય અંગે મોટી અપડેટ આપી છે. લાંબા સમયથી બીમાર રહેલા વિનોદ કાંબલી હજુ પણ યોગ્ય રીતે બોલી શકતા નથી. વીરેન્દ્ર કાંબલીએ જણાવ્યું હતું કે 'વિનોદ કાંબલી હજુ પણ બોલવામાં અચકાઈ રહ્યા છે, પરંતુ તેમની તબિયત ધીમે ધીમે સુધરી રહી છે.'
વર્ષ 2024માં વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
અહેવાલો અનુસાર, 21મી ડિસેમ્બર 2024ના રોજ યુરિન ઈન્ફેક્શનની ફરિયાદ બાદ વિનોદ કાંબલીને થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેના માથામાં લોહી ગંઠાઈ ગયું હતું, જેના કારણે તે 1 જાન્યુઆરી 2025 સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી વિનોદ કાંબલી બાંદ્રા સ્થિત તેમના ઘરે જ રહે છે. લાંબા સમયથી વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય વિશે કોઈ અપડેટ નહોતું. હવે તેમના ભાઈ વીરેન્દ્રએ જણાવ્યું કે વિનોદ હજુ સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી.
આ પણ વાંચો: એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત સિંહની કપ્તાનીમાં રમાશે મેચ
વીરેન્દ્ર કાંબલીએ ભાઈના સ્વાસ્થ્ય વિશે શું કહ્યું?
વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય અંગે વીરેન્દ્ર કાંબલી જણાવ્યું કે, 'તે હાલ ઘરે છે, પરંતુ તેમને હજુ પણ બોલવામાં તકલીફ પડી રહી છે. હું તમને બધાને અપીલ કરું છું કે મારા ભાઈ માટે પ્રાર્થના કરો જેથી તે જલ્દી સ્વસ્થ થઈ જાય. તાજેતરમાં જ વિનોદ કાંબલીની 10 દિવસ માટે ફિઝીયોથેરાપી કરાવી હતી. તેના આખા શરીરની તપાસ કરવામાં આવી હતી, જેમાં મગજ સ્કેન અને યૂરિન ટેસ્ટનો સમાવેશ થતો હતો. પરિણામો સારા હતા. બહુ સમસ્યા નહોતી, પરંતુ તેઓ ચાલી શકતા નથી. આવી સ્થિતિમાં, તેમને ફિઝીયોથેરાપી કરાવવાની સલાહ આપવામાં આવી છે. તેમની બોલવામાં હજુ પણ થોડી તકલીફ છે, પરંતુ તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.'
ભારત માટે 121 આંતરરાષ્ટ્રીય મેચ રમી
વિનોદ કાંબલી તેમના સમયમાં ભારતીય ટીમના ઉભરતા સ્ટાર હતા. તેણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. જો કે, નિવૃત્તિ પછી તેમના માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ. તેઓ દારૂના વ્યસની બન્યા અને તેમનું સ્વાસ્થ્ય પણ બગડતું રહ્યું. વર્ષ 2013માં તેમને બે હાર્ટ એટેક પણ આવ્યા.