Get The App

એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત સિંહની કપ્તાનીમાં રમાશે મેચ

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત સિંહની કપ્તાનીમાં રમાશે મેચ 1 - image
Image Source: Harmanpreet Singh / X

Asia Cup Hockey: હોકી ઇન્ડિયાએ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન બિહારના રાજગીરમાં યોજાનાર પુરુષ હોકી એશિયા કપ માટે 18 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે.

મજબૂત સંરક્ષણ અને આક્રમક વ્યૂહરચના

કૃષ્ણ બી પાઠક અને સૂરજ કરકેરા ગોલકીપિંગની જવાબદારીઓ સંભાળશે. ડિફેન્સિવ લાઇનમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ સાથે અમિત રોહિદાસ, જરમનપ્રીત સિંહ, સુમિત, સંજય અને જુગરાજ સિંહનો સમાવેશ થાય છે. મિડફિલ્ડમાં મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ અને હાર્દિક સિંહ મજબૂતી આપશે. આક્રમણનું નેતૃત્વ મનદીપ સિંહ, અભિષેક, સુખજીત સિંહ, શિલાનંદ લાકડા અને દિલપ્રીત સિંહ કરશે. નીલમ સંજીવ જેસ અને સેલ્વમ કાર્થીને વૈકલ્પિક ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કોચ ફુલ્ટનનો આત્મવિશ્વાસ, એકતા પર ભાર

ટીમના કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું, 'અમે એક અનુભવી ટીમ પસંદ કરી છે, જે દબાણ હેઠળ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. એશિયા કપ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વર્લ્ડ કપ માટે ક્વોલિફાયેશન દાવ પર છે. અમારું લક્ષ્ય મજબૂત સ્પર્ધા સાથે અમારા ઉદ્દેશ્યને હાંસલ કરવાનું છે. હું ટીમના સંતુલન અને ગુણવત્તાથી ખૂબ ખુશ છું. અમારી પાસે દરેક લાઇનમાં અગ્રણી ખેલાડીઓ છે. પછી ભલે તે ડિફેન્સ હોય, મિડફિલ્ડ હોય કે આક્રમણ હોય, અમારી સામૂહિક શક્તિ મને સૌથી વધુ ઉત્સાહિત કરે છે. ટીમ એકતા અમારી સૌથી મોટી તાકાત છે.'

પૂલ Aમાં ભારત, ચીન સામેની પહેલી મેચ

ભારતને પુલ Aમાં જાપાન, ચીન અને કઝાકિસ્તાનની સાથે સ્થાન રખાયું છે. ટીમ પોતાના અભિયાનની 29 ઓગસ્ટે ચીન સામે પોતાનું અભિયાન શરૂ કરશે, ત્યારબાદ 31 ઓગસ્ટે જાપાન અને 1 સપ્ટેમ્બરે કઝાકિસ્તાન સામે રમશે.

ટીમ

ગોલકીપર્સ: કૃષ્ણ બી પાઠક, સૂરજ કરકેરા

ડિફેન્ડર્સ: સુમિત, જર્મનપ્રીત સિંહ, સંજય, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ

મિડફિલ્ડર્સ: રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ

ફોરવર્ડ: મનદીપ સિંહ, શિલાનંદ લાકડા, અભિષેક, સુખજીત સિંહ, દિલપ્રીત સિંહ

વૈકલ્પિક ખેલાડીઓ: નીલમ સંજીવ જેસ, સેલ્વમ કાર્થી

ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં ભારતનું પ્રદર્શન 2026ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ રહેશે અને ચાહકો આ સંતુલિત ટીમ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.

Tags :