'કેટલાક કોકરોચ દરમાંથી બહાર આવ્યા છે...', રોહિત-વિરાટની ટીકા કરનારા પર ભડક્યો દિગ્ગજ ખેલાડી

AB de Villiers Critics slammed: દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે કહ્યું કે, લોકો માત્ર એટલા માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓ તેમના કરિયરના અંતિમ ચરણમાં પહોંચી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત રોહિત અને કોહલી માટે ખરાબ રહી હતી. પહેલી મેચમાં બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જેમાં રોહિતે ફક્ત 8 રન બનાવ્યા જ્યારે કોહલી ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. રોહિતે બીજી વનડેમાં 73 રન બનાવ્યા, પરંતુ કોહલી ફરી એકવાર કોઈ રન વિના આઉટ થયો, જેના કારણે ભારતને સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, સારિઝની અંતિમ મેચમાં, 'રો-કો'ની જોડીએ પોતાનો ક્લાસ બતાવ્યો અને બીજી વિકેટ માટે 168 રનની ભાગીદારી કરીને ભારતને 9 વિકેટથી વિજય અપાવ્યો. રોહિતે અણનમ 121 રન બનાવ્યા, જ્યારે કોહલીએ 74 રન બનાવ્યા, જેથી તેમના ઓસ્ટ્રેલિયન અભિયાનનો અંત શાનદાર રહ્યો.
શું બોલ્યા કોહલીના મિત્ર ડી વિલિયર્સે
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં ડી વિલિયર્સે કહ્યું કે, તે સમજી નહોતો શકતો કે, લોકો એવા ખેલાડીઓ પર નકારાત્મક ઉર્જા કેમ ફેલાવવા માંગે છે, જેમણે પોતાનું આખું જીવન પોતાના દેશ અને ક્રિકેટ માટે સમર્પિત કર્યું છે. તેમણે કહ્યું કે, 'મને ખબર નથી કે લોકોને શું થાય છે. મને ખબર નથી કે, એ લોકોને હું શુ કહું. જ્યારે કોઈ ખેલાડીઓ તેમના કરિયરના અંતિમ ચરણમાં પહોંચે છે, તો કેટલાક 'કોકરોચ' તેમના છિદ્રોમાંથી બહાર આવે છે. શા માટે? તમે તેમના દેશ અને આ સુંદર રમત માટે પોતાનો જીવ આપનારા ખેલાડીઓ પ્રત્યે નકારાત્મક ઉર્જા કેમ ફેલાવવા માંગો છો? આ સમય છે તેમનો ઉત્સાહ અને સમ્માન આપવાનો છે.'
આ પણ વાંચો: વર્લ્ડકપ 2027ની ટીમમાં અત્યારથી લખી નાંખો રોહિત અને વિરાટનું નામ, ગાવસ્કરની BCCIને સલાહ
ડી વિલિયર્સે વધુમાં જણાવ્યું હતું કે, 'રોહિત અને કોહલીને છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. ભલે કેટલાક લોકો તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, મોટાભાગના ચાહકો હજુ પણ તેમની શાનદાર કારકિર્દીની ઉજવણી કરી રહ્યા છે.'

