વૈભવ સૂર્યવંશીનું બેટ પછી બોલથી શાનદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર
Vaibhav Suryavanshi Records: વૈભવ સૂર્યવંશીએ IPLમાં એન્ટ્રી કરી ત્યારથી તે દરેક મેચમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરી રહ્યો છે. આ દરમિયાન તે ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, જ્યાં તેમણે ODI સીરિઝમાં સૌથી વધુ રન બનાવીને ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી યુથ ટેસ્ટમાં તેમણે પહેલી ઈનિંગમાં 14 રન બનાવ્યા અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. હવે તમે વિચારી રહ્યા હશો કે કોઈ ખેલાડી અડધી સદી ફટકારીને ઈતિહાસ કેવી રીતે રચી શકે છે. તો તમને જણાવી દઈએ કે, આ વખતે વૈભવે બેટિંગથી નહીં પણ બોલિંગથી ઈતિહાસ રચ્યો છે.
વૈભવે ઈંગ્લેન્ડ સામેની પહેલી યુથ ટેસ્ટમાં 2 વિકેટ પણ લીધી
વૈભવ સૂર્યવંશી શાનદાર બોલિંગ પણ કરી શકે છે. વૈભવે ઈંગ્લેન્ડ સામેની પહેલી યુથ ટેસ્ટમાં 2 વિકેટ પણ લીધી હતી. યુથ ટેસ્ટમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અડધી સદી ફટકારનાર અને 2 વિકેટ લેનાર વિશ્વનો પહેલા ખેલાડી બની ગયો છે.
અગાઉ આ સિદ્ધિ મેળવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બાંગ્લાદેશનો મેહદી હસન મિરાઝ (15 વર્ષ) હતો. મિરાઝ બે વાર આ સિદ્ધિ મેળવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ હતો. ભારત તરફથી આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો.
ઓસ્ટ્રેલિયા સામેની સદી બાદ યુવા ટેસ્ટ ક્રિકેટમાં સૂર્યવંશીનો આ બીજો 50 પ્લસ સ્કોર હતો. તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અંડર-19 ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં એકથી વધુ અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોના નામે હતો. તેમણે 14 વર્ષ અને 324 દિવસની ઉંમરે બે 50 પ્લસ સ્કોર બનાવ્યા હતા.