Get The App

મેચ બાદ મેદાન પર માથાકૂટ બાદ શ્રીલંકામાં કોને પગે લાગ્યો વૈભવ સૂર્યવંશી? જુઓ VIDEO

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
મેચ બાદ મેદાન પર માથાકૂટ બાદ શ્રીલંકામાં કોને પગે લાગ્યો વૈભવ સૂર્યવંશી? જુઓ VIDEO 1 - image

Vaibhav Sooryavanshi Charan Sparsh: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે અને સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. જોકે, આ વખતે તેના ચર્ચામાં રહેવાનું કારણ તેનું શાનદાર પ્રદર્શન ઓછું અને મેદાન પર થયેલી લડાઈ તેમજ તેના પછી સામે આવેલો એક અદભુત વીડિયો વધુ છે. 15 જૂનના રોજ શ્રીલંકા 'એ' સામેની મેચ સુપર ઓવરમાં ગુમાવ્યા બાદ વૈભવ સૂર્યવંશીની શ્રીલંકાના ખેલાડી સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ લડાઈના વીડિયો બાદ હવે સોશિયલ મીડિયા પર વૈભવનો વધુ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક દિગ્ગજના પગે પડતો જોવા મળી રહ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકામાં કોના ચરણ સ્પર્શ કર્યા?

સોશિયલ મીડિયા પર સામે આવેલો આ નવો વીડિયો મેચ પૂરી થયા બાદનો છે. દામ્બુલાના મેદાન પર ભારતના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના પ્રથમ વનડે કેપ્ટન અનુરા ટેનેકુનના પગે પડીને આશીર્વાદ લીધા હતા. અનુરા ટેનેકુન શ્રીલંકા ક્રિકેટ ઇતિહાસના એક અત્યંત આદરણીય અને દિગ્ગજ ખેલાડી છે, જેમણે 1975ના પ્રથમ વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમની કમાન સંભાળી હતી.

આ મુલાકાત દરમિયાન માત્ર ચરણ સ્પર્શ જ નહીં, પરંતુ દિગ્ગજ અનુરા ટેનેકુન તરફથી યુવા વૈભવને એક અમૂલ્ય સલાહ પણ મળી હતી. તેમણે વૈભવની પીઠ થાબડતા કહ્યું કે, "લોકો શું કહેશે તેની બિલકુલ પરવા ન કર. તારું પૂરું ધ્યાન માત્ર અને માત્ર તારી રમત પર જ કેન્દ્રિત કર."

મેદાનની વચ્ચે ખેલાડીઓ બાખડ્યા, ધક્કામુક્કીનો વીડિયો વાયરલ

આ પહેલાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો હતો, તેમાં સુપર ઓવર રમીને પેવેલિયન પરત ફરી રહેલા વૈભવ સૂર્યવંશીની શ્રીલંકા 'એ'ના એક ખેલાડી સાથે લડાઈ થઈ ગઈ હતી. મેચની ગરમાગરમી વચ્ચે શ્રીલંકાના ખેલાડીએ વૈભવને કંઈક ટોણો માર્યો હતો, જેના પર ગુસ્સે થઈને વૈભવ સૂર્યવંશીએ તેને ધક્કો મારી દીધો હતો. સામે શ્રીલંકાના ખેલાડીએ પણ વૈભવ સાથે ધક્કામુક્કી કરી હતી. દામ્બુલાના મેદાનની વચ્ચે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી હતી.

ટાઈ મેચ બાદ સુપર ઓવરમાં ભારતની હાર

જો મેચની વાત કરીએ તો, 15 જૂનના રોજ રમાયેલા આ રોમાંચક મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 1 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. આ મેચમાં ઇન્ડિયા 'એ' ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 265 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકા 'એ'ની ટીમ પણ 50 ઓવરના અંતે બરાબર 265 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો: માતા પાસે વિઝા માટે પૈસા નહોતા! રાતોરાત સુપરસ્ટાર 40 વર્ષનો ખેલાડી, જાણો આંસુ અને સંઘર્ષની કહાની

મેચ ટાઈ થતાં પરિણામ માટે સુપર ઓવર રમાડવામાં આવી હતી, જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, મેચ બાદ વૈભવ દ્વારા શ્રીલંકાના પૂર્વ કેપ્ટનનો આદર કરવાની આ રીત દર્શકોના દિલ જીતી રહી છે.