422 ચોગ્ગા અને 48 છગ્ગા... ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં રેકોર્ડ્સની હારમાળા સર્જી
India vs England: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં કુલ 470 બાઉન્ડ્રી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ સર્જી દીધો છે. જેમાં 422 ચોગ્ગા અને 48 છગ્ગાનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) બન્યો હતો, જ્યારે ભારતે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
ભારતીય ટીમે પહેલી વાર 400થી વધુ બાઉન્ડ્રી
ઈતિહાસમાં પહેલી વાર ભારતે ટેસ્ટ સીરિઝમાં 400થી વધુ બાઉન્ડ્રી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 1993ની એશિઝ સીરિઝમાં 451 ચોગ્ગા અને 9 છગ્ગા સહિત કુલ 460 બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ હવે ભારતીય ટીમે 470 બાઉન્ડ્રી ફટકારીને તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આગાઉ ભારતીય ટીમે વર્ષ 1964માં એક ટેસ્ટ સીરિઝમાં 384 બાઉન્ડ્રી ફટકારી હતી.
આ પણ વાંચો: યશસ્વીને ફોર્મમાં પાછું લાવવા રોહિત શર્માએ કરી મદદ? સદી ફટકાર્યા બાદ જયસ્વાલે ફોડ પાડ્યો
ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનારી ટીમો
ભારતે 2025 એન્ડરસન-તેંડુલકર ટ્રોફી દરમિયાન કુલ 3,809 રન બનાવ્યા હતા, જેની સરેરાશ 42.32 હતી. આ ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બીજા સ્થાનનો સૌથી વધુ રનનો સ્કોર છે. ટોચનો સ્કોર ઓસ્ટ્રેલિયાનો છે, તેણે વર્ષ 1989 એશિઝ સીરિઝમાં 6 મેચમાં 3,877 રન (સરેરાશ 57.86) બનાવ્યા હતા.
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 396 રનમાં સમેટાઈ
ઓવલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) ભારતીય ટીમે બીજી ઈંનિંગમાં 396 રનમાં સમેટાઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદર 53 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડને આ ટેસ્ટ મેચ જીતવા માટે 374 રન બનાવવા પડશે. ત્રીજા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે તેની બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવ્યા બાદ 50 રન બનાવી લીધા છે. ત્રીજા દિવસના છેલ્લા બોલ પર મોહમ્મદ સિરાજે ઓપનર જેક ક્રોલીને બોલ્ડ કર્યો હતો, તે 14 રન બનાવીને આઉટ થયો હતો. બેન ડકેટ 34 રન બનાવીને અણનમ છે. ઇંગ્લેન્ડને આ ટેસ્ટ મેચ જીતવા માટે હજુ 324 રન બનાવવા પડશે, જ્યારે તેની પાસે નવ વિકેટ બાકી છે. ભારતીય ટીમે આ સીરિઝ બરાબર કરવા માટે મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડને 324 રન સુધી સમેટવી પડશે. ઈંગ્લેન્ડ આ સીરિઝમાં 2-1થી આગળ છે.