દાયકામાં પહેલીવાર ભારતીય ટીમના માથે લાગ્યો 'કલંક', ઈંગ્લેન્ડ સામે બોલરોએ નાક કપાવ્યું
India vs England Test Series: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ પણ ભારતીય ટીમ માટે ખરાબ સાબિત થઈ, જે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પહેલાથી જ પાછળ હતી. મેચના પહેલા દિવસે રિષભ પંત ઈજાગ્રસ્ત થયા બાદ, ટીમ બીજા દિવસે માત્ર 358 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પૂરતું ન હતું, તો ઈંગ્લેન્ડના બેટરોએ ભારતીય બોલરો પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું અને ત્રીજા દિવસ (25 જુલાઈ) ભારતીય ટીમ માટે સૌથી ખરાબ સાબિત થયો હતો. પરિસ્થિતિ એવી હતી કે 10 વર્ષ પછી ભારતીય ટીમે એક ઈનિંગમાં 500થી વધુ રનનો સ્કોરનો સામનો કરવો પડ્યો.
ભારતીય ટીમે 10 વર્ષ પછી આવો દિવસ જોયો
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે 225 રનથી ઈનિંગની શરૂઆત કરી હતી. જો રૂટ અને ઓલી પોપે પહેલા જ ટીમને 300 રનનો આંકડો પાર પહોંચાડ્યો. આ દરમિયાન બંનેએ અડધી સદી પણ ફટકારી. ઓલી પોપ આઉટ થયા પછી જો રૂટે પોતાની 38મી ટેસ્ટ સદી ફટકારી હતી. કેપ્ટન બેન સ્ટોક્સે પણ ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી અને સીરિઝમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી.
જો રૂટ અને બેન સ્ટોક્સે 152 રનની શાનદાર ભાગીદારી કરી. આ ભાગીદારીના આધારે ઇંગ્લેન્ડે ત્રીજા સેશનમાં 500 રનનો આંકડો પાર કર્યો. આ સાથે 10 વર્ષ પછી ભારતીય ટીમ સામે વિદેશમાં ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 500 થી વધુ રનનો સ્કોર બન્યો. અગાઉ જાન્યુઆરી 2015માં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે એક ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યા હતા.
જો રૂટની સદી, ઈતિહાસ પણ રચ્યો
મેચના દિવસે ઈંગ્લેન્ડના બેટર જો રૂટે સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. તે માન્ચેસ્ટરના મેદાનમાં 1000 રન બનાવનાર એક માત્ર ખેલાડી બની ગયો છે. બીજીતરફ ઈંગ્લેન્ડના બેટરોએ શરૂઆતથી જ વિસ્ફોટ બેટિંગ કરી રહ્યા છે.
ભારત સામે જો રુટની ઐતિહાસિક સદી! બ્રેડમેન અને પોન્ટિંગના રેકોર્ડ તોડ્યા
•ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન બાદ બીજા ક્રમે. પોન્ટિંગને પાછળ છોડ્યો.
•ટેસ્ટ ક્રિકેટમાં 38મી સદી ફટકારી સંગાકારાની બરાબરી કરી. સચિન, કાલિસ અને પોન્ટિંગ બાદ ચોથા ક્રમે.
•ભારત સામે સૌથી વધુ 12 ટેસ્ટ સદી ફટકારનારો બેટર બન્યો.
•ઈંગ્લેન્ડમાં ભારત સામે 9મી સદી. ઘરઆંગણે કોઈ એક જ દેશ સામે સૌથી વધુ સદીનો બ્રેડમેનનો (8) રેકોર્ડ તોડ્યો.
•2021 બાદ માત્ર 4 વર્ષના ગાળામાં 21 સદી ફટકારી.