Get The App

આજની ચેન્નઈ અને અમદાવાદની મેચથી ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપના ભવિષ્યનો થશે નિર્ણય

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
T20 World Cup
(IMAGE - IANS)

T20 World Cup: આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં આજનો દિવસ અત્યંત મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે એક જ દિવસે રમાનારી બે મોટી મેચો સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. આ માત્ર બે મુકાબલા નથી, પરંતુ ચાર ટીમોના ભાવિનો ફેંસલો છે. ચેન્નાઈમાં રમાનારી મેચમાં ભારત સામે ઝિમ્બાબ્વેનો પડકાર હશે. સાઉથ આફ્રિકા સામે 76 રનથી મળેલી કારમી હાર બાદ ભારતનો નેટ રન રેટ ઘણો નીચે જતો રહ્યો છે, તેથી ટીમ ઇન્ડિયા માટે હવે માત્ર જીત જ પૂરતી નથી, પરંતુ મોટા અંતરથી જીતવું અનિવાર્ય બન્યું છે. ભારતીય ટીમ માટે અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ટોપ ઓર્ડર બેટર્સનું ફોર્મ ચિંતાનો વિષય છે, જોકે બુમરાહની આગેવાનીમાં બોલિંગ લાઇનઅપ મજબૂત દેખાઈ રહી છે.

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે જામશે કાંટાની ટક્કર

બીજી તરફ, અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર જામશે. આ બંને ટીમો અત્યાર સુધી સુપર-8માં અજેય રહી છે. વેસ્ટ ઈન્ડિઝે તેની આક્રમક બેટિંગથી દબદબો બનાવ્યો છે, તો સાઉથ આફ્રિકાની સંતુલિત બોલિંગે ભારત જેવી ટીમને હરાવીને પોતાની તાકાત બતાવી છે. ભારત માટે રસપ્રદ વાત એ છે કે તેનું ભવિષ્ય માત્ર પોતાની મેચ પર જ નહીં, પરંતુ અમદાવાદમાં થનારા આ પરિણામ પર પણ નિર્ભર છે. જો સાઉથ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો ભારત માટે સેમીફાઈનલનો રસ્તો થોડો સરળ બની શકે છે.

આ પણ વાંચો: રન રેટ ભૂલી જાઓ, ટીમ ઇન્ડિયા પાસે સેમિફાઈનલમાં એન્ટ્રીનો એક જ વિકલ્પ, જુઓ સમીકરણ

વિન્ડિઝની જીત ભારત માટે જોખમી

સેમીફાઈનલના સમીકરણો પર નજર કરીએ તો, ભારતની મેચ શરૂ થાય તે પહેલા જ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાના મુકાબલાનું પરિણામ આવી ગયું હશે. જો વેસ્ટ ઈન્ડિઝ જીતશે તો ભારત માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે ત્યારે ભારતે પોતાની બંને મેચ જીતવાની સાથે અન્ય ટીમોના પરિણામ પર પણ આશા રાખવી પડશે. પરંતુ જો સાઉથ આફ્રિકા જીતે છે, તો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આગામી ટક્કર 'પ્રી-સેમીફાઈનલ' જેવી બની જશે, જેમાં જીતનારી ટીમ સીધી સેમીફાઈનલમાં પ્રવેશશે. ટૂંકમાં, ગુરુવારની આ બંને મેચો ગ્રુપ-1માંથી કઈ બે ટીમો આગળ વધશે તેનું ભાવિ નક્કી કરશે.

આજની ચેન્નઈ અને અમદાવાદની મેચથી ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપના ભવિષ્યનો થશે નિર્ણય 2 - image