Get The App

સેમસન નહીં પણ ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમશે ગુજરાતનો આ સ્ટાર ખેલાડી! ટીમ ઈન્ડિયા માટે બનશે 'ટ્રમ્પ કાર્ડ'

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
Ravi Shastri wants Axar Patel in Playing 11
(IMAGE - IANS)

Ravi Shastri wants Axar Patel in Playing 11: ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે રમાનારા બે મોટા મુકાબલા ભારતીય ફેન્સ માટે રોમાંચ અને ચિંતા બંને લઈને આવ્યા છે. આજે પહેલી ટક્કર સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છે, જ્યારે સાંજે ચેન્નાઈમાં ભારત અને ઝિમ્બાબ્વે સામસામે ટકરાશે. ભારત માટે સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ઝિમ્બાબ્વે સામે જીત મેળવવી અનિવાર્ય છે, પરંતુ તે પહેલાં સાઉથ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે તે સમીકરણ પણ ભારત માટે અત્યંત મહત્ત્વનું છે. સાઉથ આફ્રિકા સામેની શરમજનક હાર બાદ હવે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે.

અક્ષર પટેલને પ્લેઈંગ-11માં સામેલ કરવાની રવિ શાસ્ત્રીની સલાહ 

ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવાની ભારપૂર્વક હિમાયત કરી છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં ટીમના વાઇસ કેપ્ટન હોવા છતાં અક્ષરને બહાર રાખવાના નિર્ણયની ભારે ટીકા થઈ હતી. શાસ્ત્રીનું માનવું છે કે ચેન્નાઈની પિચ પર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બંનેને સાથે રમાડવા જોઈએ. તેમના મતે, જો ટીમ પાસે 8 બેટર્સ હોવા છતાં મોટો સ્કોર ન થઈ શકે, તો કંઈક ગંભીર ખામી છે. અક્ષરની હાજરીથી ટીમને બેટિંગમાં ઊંડાણ મળશે અને બોલિંગમાં એક વધારાનો મજબૂત વિકલ્પ પણ મળી રહેશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની મેચ ચેન્નઈમાં પણ T20 વર્લ્ડ કપમાં તેના ભાગ્યનો નિર્ણય અમદાવાદમાં જ થઈ જશે

ઓલરાઉન્ડર્સની મજબૂત ફોજ

રવિ શાસ્ત્રીની સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પણ અક્ષર પટેલના અનુભવ પર ભરોસો મૂકવાની સલાહ આપી છે. જો અક્ષર ટીમમાં આવે છે, તો વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે સાથે મળીને ભારત પાસે ઓલરાઉન્ડર્સની મજબૂત ફોજ તૈયાર થશે. રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે રવિવારની મેચમાં વરુણ ચક્રવર્તી જેવા બોલરો મોંઘા સાબિત થયા હતા, ત્યારે અક્ષર જેવો અનુભવી ખેલાડી ટીમનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મેનેજમેન્ટ આ દિગ્ગજોની સલાહ માનીને ટીમમાં કેવા બદલાવ કરે છે.

સેમસન નહીં પણ ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમશે ગુજરાતનો આ સ્ટાર ખેલાડી! ટીમ ઈન્ડિયા માટે બનશે 'ટ્રમ્પ કાર્ડ' 2 - image