T20 World Cup 2026, Super Eights, New Zealand vs England : ટી20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલામાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડે 19.3 ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. વિલ જેક્સ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચ્યું છે, જ્યારે પાકિસ્તાન માટે સેમીફાઈનલની આશા હવે નેટ રન રેટ પર ટકેલી છે.
ન્યૂઝીલેન્ડનું બેટિંગ પ્રદર્શન: ગ્લેન ફિલિપ્સ અને સેઈફર્ટની લડત
ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 39 રન (28 બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગો) ફટકાર્યા હતા. ઓપનર ટીમ સેઈફર્ટે 35 રન (25 બોલ, 3 ચોગ્ગા, 2 છગ્ગા) અને ફિન એલને 29 રન (19 બોલ, 0 ચોગ્ગા, 3 છગ્ગા)નું યોગદાન આપ્યું હતું. અન્ય બેટરોમાં રચિન રવિન્દ્રએ 11 રન (13 બોલ, 1 ચોગ્ગો), માર્ક ચેપમેને 15 રન (9 બોલ, 2 ચોગ્ગા), ડેરીલ મિશેલે 3 રન (8 બોલ), મિશેલ સેન્ટનરે અણનમ 9 રન (5 બોલ, 1 છગ્ગો), કોલ મેકકોન્ચીએ 14 રન (12 બોલ, 2 ચોગ્ગા) અને મેટ હેનરીએ અણનમ 1 રન બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડના રાશિદ અને જેક્સની જોડી ચમકી
ઈંગ્લેન્ડના બોલરોએ ન્યૂઝીલેન્ડને મોટા સ્કોર કરતા અટકાવ્યું હતું. આદિલ રાશિદે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વિલ જેક્સે પણ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 23 રન આપી 2 વિકેટ લીધી હતી. રેહાન અહેમદે 3 ઓવરમાં 28 રન આપી 2 સફળતા મેળવી હતી. લિયામ ડોસને 4 ઓવરમાં 32 રન આપી 1 વિકેટ લીધી હતી, જ્યારે જોફ્રા આર્ચરે 3 ઓવરમાં 24 રન અને સેમ કરને 1 ઓવરમાં 10 રન આપ્યા હતા પરંતુ તેમને વિકેટ મળી ન હતી.
આ પણ વાંચો : IPL 2026ના કાર્યક્રમમાં સંભવિત ફેરફાર, બે દિવસ મોડી શરૂ થઈ શકે 19મી સિઝન
ઈંગ્લેન્ડનો વળતો પ્રહાર: જેક્સ અને બાન્ટનનો મહત્વનો ફાળો
160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. ફિલ સોલ્ટ 2 રન અને જોસ બટલર શૂન્ય રને આઉટ થયા હતા. જોકે, ટોમ બાન્ટને 33 રન (24 બોલ, 3 ચોગ્ગા, 1 છગ્ગો) અને હેરી બ્રુકે 26 રન (24 બોલ, 3 ચોગ્ગા, 1 છગ્ગો) બનાવી દબાણ ઓછું કર્યું હતું. જેકબ બેથેલે 21 રન (16 બોલ, 4 ચોગ્ગા) અને સેમ કરને 24 રન (22 બોલ, 2 ચોગ્ગા, 1 છગ્ગો) બનાવ્યા હતા. અંતમાં વિલ જેક્સે અણનમ 32 રન (18 બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગો) અને રેહાન અહેમદે આક્રમક 19 રન (7 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા) ફટકારી ટીમને જીત અપાવી હતી.
ન્યૂઝીલેન્ડની બોલિંગ: રચિન રવિન્દ્રની ત્રણ વિકેટ એળે ગઈ
ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મેટ હેનરીએ 2.3 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ, લોકી ફર્ગ્યુસને 2 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ અને ગ્લેન ફિલિપ્સે 4 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ લીધી હતી. મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં 29 રન, કોલ મેકકોન્ચીએ 1 ઓવરમાં 13 રન અને ઈશ સોઢી 2 ઓવરમાં 21 રન આપ્યા હતા, પરંતુ તેઓ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.
પોઈન્ટ ટેબલનું ગણિત : પાકિસ્તાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ
ન્યૂઝીલેન્ડની આ હાર બાદ ગ્રુપ-2 ના સમીકરણો રસપ્રદ બન્યા છે. ઈંગ્લેન્ડ 3 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ મેળવી સેમીફાઈનલમાં સ્થાન પાકું કરી ચૂક્યું છે. ન્યૂઝીલેન્ડ 3 મેચમાં 3 પોઈન્ટ અને +1.390 ના રન રેટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાન અત્યારે 2 મેચમાં 1 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો પાકિસ્તાન તેની આગામી મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવે તો જ તેમના 3 પોઈન્ટ થશે અને તેઓ રન રેટના આધારે ન્યૂઝીલેન્ડને પછાડી સેમીફાઈનલમાં પહોંચી શકશે. શ્રીલંકા સતત બે હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે.
આ પણ વાંચો : ...તો ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે


