Get The App

...તો ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
...તો ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે 1 - image


India vs West Indies T20 WC 2026: ટી-20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. ઝિમ્બાબ્વે સામે 72 રને ભવ્ય જીત મેળવ્યા બાદ પણ ટીમ ઇન્ડિયા પર સેમિ ફાઈનલમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારો મુકાબલો હવે 'વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ' બની ગયો છે.

જીતવા છતાં મુશ્કેલીમાં ભારત

ગ્રુપ-1 માંથી સાઉથ આફ્રિકા પહેલા જ સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે, જ્યારે ઝિમ્બાબ્વે રેસમાંથી બહાર થઈ ગયું છે. હવે બીજા સેમિ ફાઈનલિસ્ટનો ફેંસલો 1 માર્ચે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચથી થશે. જે ટીમ જીતશે તે સીધી સેમિ ફાઈનલમાં પ્રવેશ કરશે. પરંતુ જો આ મેચ વરસાદને કારણે રદ થાય, તો ભારત માટે ટૂર્નામેન્ટના દરવાજા બંધ થઈ શકે છે.

નેટ રન રેટ (NRR) બની શકે છે વિલન

જો મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે અને બંનેના કુલ 3-3 પોઈન્ટ થશે. આ સ્થિતિમાં જેનો નેટ રન રેટ સારો હશે તે ટીમ સેમિ ફાઈનલમાં જશે.

વેસ્ટ ઈન્ડિઝ: જીમ્બાબ્વે સામેની મોટી જીતને કારણે તેમનો રન રેટ +1.791 છે.

ભારત: ભારતનો રન રેટ હાલમાં -0.100 છે, જે વેસ્ટ ઈન્ડિઝ કરતા ઘણો નબળો છે.

આમ, મેચ રદ થવાની સ્થિતિમાં ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે.

સૂર્યાની વ્યૂહરચના પર સવાલ

ઝિમ્બાબ્વે સામેના મેચમાં જો ભારત 108 કે તેથી વધુ રનથી જીત્યું હોત, તો તેનો રન રેટ વેસ્ટ ઈન્ડિઝ કરતા વધી ગયો હોત. કેપ્ટન સૂર્યકુમાર યાદવે તે મેચમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ઓવર પૂરી ન કરાવી અને શિવમ દુબે પાસે બોલિંગ કરાવી, જેમાં દુબેએ 2 ઓવરમાં 46 રન લૂંટાવ્યા. આ ભૂલ હવે ભારતને ભારે પડી શકે તેમ છે.

કોલકાતામાં કેવું રહેશે હવામાન?

ભારતીય ચાહકો માટે સારા સમાચાર એ છે કે હવામાન વિભાગે રવિવારે કોલકાતામાં આકાશ સાફ રહેવાની આગાહી કરી છે. રવિવારે વરસાદની કોઈ શક્યતા નથી અને તાપમાન 25 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. એટલે કે, રમત પૂરેપૂરી રમાય તેવી શક્યતા વધુ છે.