Suryakumar Yadav on Batting Form Before IND vs NZ T20 Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી (બુધવાર, 21 જાન્યુઆરી) પાંચ મેચોની T20 સીરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહત્વની શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાનાર છે. મેચના એક દિવસ અગાઉ ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફોર્મ અંગે મોટું અને પ્રમાણિક નિવેદન આપ્યું છે.
સૂર્યાએ ખરાબ ફોર્મ અંગે શું કહ્યું ?
છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ નબળી બેટિંગ કરી રહ્યો છે. જોકે પોતાની બેટિંગ અંગે તેણે કહ્યું કે, ‘હું અત્યારે સારું અનુભવી રહ્યો છું અને મારી બેટિંગ સાચી દિશામાં જઈ રહી છે. તેમ છતાં, જો આગામી મેચોમાં રન નહીં બનાવી શકું તો, હું ફરીથી ડ્રોઈંગ બોર્ડ પર પરત ફરીશ અને મારી તૈયારીઓનું નવેસરથી મૂલ્યાંકન કરીશ.’ સૂર્યાનો કહેવાનો અર્થ એ છે કે, તે નવેસરથી યોજના બનાવશે અને નવા પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરશે.
વર્ષ 2025માં નબળું પ્રદર્શન
સૂર્યકુમારના ક્રિકેટ આંકડાની વાત કરીએ તો, તેના માટે વર્ષ 2025 નિરાશાજનક રહ્યું છે. તેણે 21 મેચોમાં 19 ઈનિંગ્સ રમીને માત્ર 218 રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 13.62 અને સ્ટ્રાઈક રેટ 123.16 છે. જોકે, કેપ્ટન તરીકે સૂર્યા સફળ રહ્યો છે. 2024માં તેની આગેવાનીમાં ભારતનો જીતનો દર 72 ટકાથી વધુ રહ્યો હતો. આ જ કારણે તેનો બચાવ થયો છે અને નબળું પ્રદર્શન ધ્યાનમાં લેવાયું નથી.
ટીમ મેનેજમેન્ટને સૂર્યા પર વિશ્વાસ
ખરાબ ફોર્મ છતાં ટીમ મેનેજમેન્ટે સૂર્યા પર પૂરો ભરોસો જાળવી રાખ્યો છે. સૂર્યાએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘મારો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વ્યક્તિગત રન બનાવવાનો જ નહીં, પરંતુ ટીમની જીતમાં ફાળો આપવાનો છે.’ આગામી વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની આ સીરીઝ સૂર્યા માટે પોતાની લય પાછી મેળવવા અને પોતાને સાબિત કરવાની સુવર્ણ તક છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પાંચ T20I
ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન રમાનારી T20I શ્રેણી પણ રમાવાની છે. બંને દેશો વચ્ચે પ્રથમ મેચ 21 જાન્યુઆરીના રોજ નાગપુરમાં રમાશે. આ શ્રેણીની બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં અને ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં આયોજિત થશે. ત્યારબાદ ચોથી T20I મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે અને ભારત તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ પાંચ મેચોની રોમાંચક શ્રેણી માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


