સૂર્યકુમાર યાદવનો જલવો, T-20માં વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી, સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ ધરાશાયી
Suryakumar Yadav record in IPL: IPL 2025ની 63મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈની આ જીતમાં સૂર્યકુમાર યાદવે ફરી એક વખત ધમાકેદાર ઈનિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે. સૂર્યાએ 43 બોલ પર 73 રનની અણનમ ઈનિંગ રમી. પોતાની ઈનિંગમાં સૂર્યાએ 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. સૂર્યાની ઈનિંગના દમ પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ પર 180 રન બનાવવામાં સફળ રહી. બાદમાં દિલ્હી કેપિટલ્સની ટીમ રન ચેઝ કરતા 121 રન જ બનાવી શકી. મુંબઈ આ મેચ 59 રનથી જીતવામાં સફળ રહી. સૂર્યાને તેની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. સૂર્યાએ પોતાની ઈનિંગ દરમિયાન T-20માં વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી કરી લીધી છે.
સૂર્યાએ T-20માં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
સૂર્યકુમાર યાદવે હવે T-20માં સૌથી વધુ વખત સતત 25+ સ્કોર બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આમ કરીને સૂર્યાએ દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ટેમ્બા બાવુમાએ પણ T-20 ક્રિકેટમાં સતત 13 વખત 25+ સ્કોર બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. સૂર્યા પણ અત્યાર સુધી સતત 13 વખત T-20 ક્રિકેટમાં 25+ રન બનાવવામાં સફળ રહ્યો છે.
T-20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સતત 25+ સ્કોર બનાવનારા બેટ્સમેન
13- સૂર્યકુમાર યાદવ (2025)
13- ટેમ્બા બાવુમા (2019–20)
11- બ્રેડ હોજ (2005–07)
11- જેક્સ રુડોલ્ફ (2014–15)
11- કુમાર સંગાકાર (2015)
11- ક્રિસ લિન (2023–24)
11- કાઈલ મેયર્સ (2024)
સૂર્યાએ સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ
આ ઉપરાંત સૂર્યાએ IPLમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાના મામલે સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર પહોંચી ગયો છે. સૂર્યાએ 9 વખત મુંબઈ ઈન્ડિયન્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળતા હાંસલ કરી છે. બીજી તરફ તેંડુલકરે મુંબઈ માટે 8 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. બીજી તરફ IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ રોહિત શર્માના નામ પર છે. રોહિતે મુંબઈ માટે 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતનારા ખેલાડી
17- રોહિત શર્મા
14- કીરોન પોલાર્ડ
10- જસપ્રીત બુમરાહ
9- સૂર્યકુમાર યાદવ
8- સચિન તેંડુલકર
7- અંબાતી રાયડૂ
6- હરભજન સિંહ
6- લસિથ મલિંગા
6- હાર્દિક પંડ્યા
આ ઉપરાંત સૂર્યા IPLની એક સીઝનમાં સતત સૌથી વધુ 25+ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આમ કરીને સૂર્યાએ કેન વિલિયમસનની બરાબરી કરી લીધી છે. 2018માં વિલિયમસને IPL સીઝનમાં સતત 13 વખત 25+ સ્કોર બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
બીજી તરફ જો મેચની વાત કરીએ તો MIએ DC સામે 59 રનથી મોટી જીત નોંધાવી અને આ સાથે જ ટુર્નામેન્ટના પ્લેઓફમાં સ્થઆન બનાવી લીધું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. 181 રનનો ટાર્ગેટ ચેઝ કરતા દિલ્હી કેપિટલ્સ ટીમ માત્ર 121 રન જ બનાવી શકી.