Sports

51 રનમાં 4 વિકેટો પડી ગઇ હતી આયરલેન્ડથી પછી ચૂક ક્યાં થઇ? ટીમ ઈન્ડિયાની હારના 5 કારણ

By GS Team
27 Jun 20264 mins read
TukuTouch Logo
આયર્લેન્ડ સામેની T20 મેચમાં શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમની હાર થઈ. ડબલિનમાં રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે ભારતને 182 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 168 રન જ બનાવી શકી. 51/4ની સ્થિતિમાંથી આયર્લેન્ડે લોર્કન ટકર (50) અને ગેરેથ ડેલાની (49)ની મદદથી કમબેક કર્યું. ભારતના બોલરો અને ફિલ્ડરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, 3 કેચ છોડ્યા. બેટ્સમેનો પણ નિષ્ફળ રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

51 રનમાં 4 વિકેટો પડી ગઇ હતી આયરલેન્ડથી પછી ચૂક ક્યાં થઇ? ટીમ ઈન્ડિયાની હારના 5 કારણ

IND vs IRE Highlights: શ્રેયસ અય્યર 'યુગ'ની શરૂઆત ભારત માટે નિરાશાજનક રહી છે. IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેની કેપ્ટનશીપ અને બેટિંગના શાનદાર પ્રદર્શનને જોયા બાદ BCCIએ તેને ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપી હતી, જ્યારે તે 2023થી ભારત માટે કોઈ T20 ક્રિકેટ નહોતો રમ્યો. પરંતુ ઈન્ટરનેશનલ મંચ પર શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની શરૂઆત હાર સાથે થઈ છે. આ હાર ભારતને એટલા માટે પણ વધુ ખૂંચશે કારણ કે આ આયર્લેન્ડ જેવી નાની ટીમ સામે મળી છે. T20 ક્રિકેટના ઈતિહાસમાં આયર્લેન્ડ સામે ભારતની આ પ્રથમ હાર છે. જોકે, આ મેચમાં ભારતની હાર માટે માત્ર કેપ્ટનશીપ જ જવાબદાર છે એવું નથી, અન્ય કેટલાય પરિબળો પણ આ માટે જવાબદાર છે. આવો એક નજર કરીએ ટીમ ઈન્ડિયાની હારના મુખ્ય કારણો પર….
51/4 હતો આયરલેન્ડનો સ્કોર પછી કેવી રીતે કર્યું કમબેક
આયર્લેન્ડના ખરાબ હવામાન અને પિચના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં રાખીને ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે શ્રેયસ અય્યરનો એક શાનદાર નિર્ણય હતો. ટીમ ઈન્ડિયાએ આ નિર્ણયનો ફાયદો પણ ઉઠાવ્યો હતો. હર્ષિત રાણાની કમાલની બોલિંગની સાથે અર્શદીપ સિંહ અને શિવમ દુબેના મહત્વના યોગદાનને કારણે ભારતે 7.1 ઓવરમાં માત્ર 51 રનના સ્કોર પર આયર્લેન્ડના 4 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
ત્યારબાદ આયર્લેન્ડના કેપ્ટન લોર્કન ટકર (50) અને ગેરેથ ડેલાની (49)એ શાનદાર ઈનિંગ્સ રમીને ટીમને સંભાળી અને ટીમને એક મોટા સ્કોર તરફ આગળ વધારી.
આયર્લેન્ડે પાંચમી વિકેટ માટે 64 રન અને છઠ્ઠી વિકેટ માટે 49 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી, જેને કારણે તેઓ 182 રનના મોટા સ્કોર સુધી પહોંચી શક્યા હતા. આ સમયે ભારતીય બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે એક્સપોઝ થઈ ગયું હતું.
બોલરોનું નિરાશાજનક પ્રદર્શન
8મી ઓવર સુધી શાનદાર બોલિંગ કર્યા બાદ ભારતીય બોલરો ઢીલા પડી ગયા. પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાના 4 ઓવરના સ્પેલમાં કુલ 57 રન આપ્યા હતા. તેણે પોતાની પહેલી ઓવરમાં 16, બીજી ઓવરમાં 8, ત્રીજી ઓવરમાં 8 અને ચોથી ઓવરમાં 27 રન આપ્યા હતા. ખાસ કરીને છેલ્લી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ પર આયર્લેન્ડના બેટ્સમેનોએ ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.
આ ઉપરાંત કેપ્ટન શ્રેયસ અય્યરે વૉશિંગ્ટન સુંદરનો પણ બોલિંગમાં યોગ્ય રીતે ઉપયોગ નહોતો કર્યો. સુંદરને માત્ર એક જ ઓવર બોલિંગ કરવાની તક મળી હતી, જેમાં તેણે 19 રન આપ્યા હતા. બીજી તરફ શિવમ દુબેએ પોતાના 3 ઓવરના સ્પેલમાં માત્ર 18 રન ખર્ચીને એક વિકેટ ઝડપી હતી.
સવાલ એ છે કે ફાસ્ટ બોલરોને મદદ કરતી પિચ પર જો શિવમ દુબે સારી બોલિંગ કરી રહ્યો હતો, તો તેની ઓવરનો કોટો કેમ પૂરો કરવામાં ન આવ્યો? વૉશિંગ્ટન સુંદર પાસે કેમ માત્ર એક જ ઓવર કરાવાઈ? એટલું જ નહીં સુંદરને બોલિંગ કરવાની તક પણ છેક 16મી ઓવરમાં આપવામાં આવી હતી.
16મી-17મી ઓવરમાં બાજી પલટાઈ
15 ઓવર બાદ આયર્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાને 118 રન હતો. તે સમયે એવું લાગી રહ્યું હતું કે આઈરિશ ટીમ વધુમાં વધુ 160 રનના સ્કોર સુધી જ પહોંચી શકશે. પરંતુ ત્યારપછીની ઓવરોમાં તેમણે એવો કમાલ કરી દેખાડ્યો કે આયર્લેન્ડનો સ્કોર 182 રન સુધી પહોંચી ગયો.
વૉશિંગ્ટન સુંદરે 16મી ઓવરમાં 19 રન આપ્યા હતા, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્યારપછીની 17મી ઓવરમાં 27 રન લૂંટાવ્યા હતા. આ બે જ ઓવરમાં આયર્લેન્ડે કુલ 46 રન ફટકારી દીધા, જેના કારણે મેચનું દબાણ સંપૂર્ણપણે ભારત પર આવી ગયું હતું.
3-3 કેચ છોડી
બોલિંગની સાથે-સાથે ભારતીય ફિલ્ડિંગે પણ આયર્લેન્ડ સામે નિરાશ કર્યા હતા. પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 3-3 કેચ છોડી હતી, જેમાંથી 2 કેચ તો લોર્કન ટકર અને ગેરેથ ડેલાનીના હતા. જો ભારતે આ બે કેચ ઝડપી લીધા હોત, તો કદાચ આયર્લેન્ડનો સ્કોર 150 રનને પાર પણ પહોંચી શક્યો ન હોત.
2.3 ઓવરમાં અર્શદીપ સિંહના બોલ પર શિવમ દુબેએ ટિમ ટેક્ટરની કેચ છોડી હતી અને પરિણામે ચોગ્ગો આપ્યો હતો.
10.6 ઓવરમાં અક્ષર પટેલના બોલ પર અભિષેક શર્માએ ગેરેથ ડેલાનીનો કેચ છોડ્યો હતો, જ્યારે તે માત્ર 8 રનના સ્કોર પર રમી રહ્યો હતો. 12.1 ઓવરમાં અક્ષર પટેલના જ બોલ પર વૉશિંગ્ટન સુંદરે લોર્કન ટકરનો એક મુશ્કેલ કેચ છોડ્યો હતો. તે સમયે તે 27 રનના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યો હતો.
બેટ્સમેનોનું ફ્લોપ પ્રદર્શન
વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ રોકીને ભારતે વર્લ્ડ કપ વિનિંગ બેટ્સમેનો પર ભરોસો મૂક્યો હતો અને તેમાંથી કોઈને પણ ડ્રોપ ન કરવાનો નિર્ણય કર્યો હતો. અભિષેક શર્માએ તો 19 બોલમાં ફિફ્ટી ફટકારીને પોતાની જવાબદારી પૂરી રીતે નિભાવી, પરંતુ અન્ય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઈશાન કિશન 1, શ્રેયસ અય્યર 3, તિલક વર્મા 19 અને વૉશિંગ્ટન સુંદર 9 રન બનાવીને આઉટ થયા હતા.
બર્થડે બોય શિવમ દુબેએ 14 બોલમાં 25 રન જરૂર બનાવ્યા હતા, પરંતુ બીજા છેડેથી તેને કોઈનો સાથ ન મળ્યો. IPL દરમિયાન આ તમામ બેટ્સમેનો શાનદાર ફોર્મમાં હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર તેઓ આ પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શક્યા. ભારતીય બેટ્સમેનોએ આયર્લેન્ડ સામે અત્યંત નિરાશાજનક પ્રદર્શન કર્યું.