ટીમ ઇન્ડિયાને 'વિદેશી જ્ઞાન'ની જરૂર નથી, સિલેક્શન અંગે ટિપ્પણી કરનારાને ગાવસ્કરનો સજ્જડ જવાબ
Sunil Gavaskar: પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે T20 એશિયા કપ 2025 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ પર સવાલ ઉઠાવનારા અને ખાસ કરીને શ્રેયસ અય્યરને ટીમમાં પસંદ ન કરવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરનારા તમામ વિદેશી ક્રિકેટરોની ઝાટકણી કાઢી છે. દિગ્ગજે એ વાત પર ભાર મૂક્યો કે, ભારતીય ક્રિકેટ સંપૂર્ણપણે ભારતીય મામલો છે અને સિલેક્ટર્સને વિદેશી ક્રિકેટરોનો અભિપ્રાય લેવાની જરૂર નથી.
આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા
સ્પોર્ટસ્ટાર માટે લખેલા પોતાના કોલમમાં સુનિલ ગાવસ્કરે કહ્યું કે, 'હેરાન કરનારી વાત એ છે કે જે વિદેશીઓનું ભારતીય ક્રિકેટમાં કોઈ યોગદાન નથી અને જેઓ તેના વિશે બહુ ઓછું જાણે છે તેઓ આ ચર્ચામાં કૂદી પડ્યા છે અને આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. ભલે તેઓ ખેલાડીઓ તરીકે ગમે તેટલા મહાન હોય અને ગમે તેટલી વાર તેઓ ભારતની મુલાકાતે આવ્યા હોય પરંતુ ભારતીય ટીમની પસંદગી માટે અભિપ્રાય આપવાનું તેમનું કોઈ કામ નથી.’
નોંધનીય છે કે, શ્રેયસ અય્યરે તાજેતરમાં જ પંજાબ કિંગ્સને IPL 2025ની ફાઇનલમાં પહોંચાડી હતી અને રન પણ બનાવ્યા હતા, પરંતુ T20 એશિયા કપ માટે તેમની પસંદગી કરવામાં ન આવી.
ટીમ ઇન્ડિયા અંગે 'વિદેશી જ્ઞાન' સુનિલ ગાવસ્કરને મંજૂર નથી
ચીફ સિલેક્ટર અજિત અગરકરની ખૂબ ટીકા થઈ રહી છે. પૂર્વ વિદેશી ખેલાડીઓ પણ સિલેક્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે ગાવસ્કરે કહ્યું કે, 'તેમણે પોતાના દેશના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આપણે ભારતીયોને આપણા ક્રિકેટની ચિંતા કરવા દેવી જોઈએ. આશ્ચર્યજનક વાત છે કે જ્યારે તેમના દેશની ટીમોની પસંદગી કરવામાં આવે છે, ત્યારે પસંદગી વિશે તેમનું ભાગ્યે જ કંઈ સાંભળવામાં આવે છે. એવું લાગે છે કે પસંદગી એકદમ યોગ્ય છે અને તેમની પાસે કહેવા માટે કંઈ નથી. તો પછી તમે ભારતીય ટીમની પસંદગીમાં શા માટે દખલ કરી રહ્યા છો?'
બ્રેડ હેડિન અને એબી ડીવિલિયર્સે કરી હતી ટિપ્પણી
ગાવસ્કરે કોઈનું નામ નથી લીધું, પરંતુ બધા જાણે છે કે તેઓ કોના તરફ ઇશારો કરી રહ્યા છે. તેમની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે બ્રેડ હેડિન અને એબી ડીવિલિયર્સે તાજેતરમાં જ શ્રેયસ અય્યરની પસંદગી ન થવા પર ટિપ્પણી કરી હતી. આ વર્ષની શરુઆતમાં પંજાબ કિંગ્સમાં અય્યર સાથે કામ કરનારા હેડિને કહ્યું કે, ‘હું આનાથી આશ્ચર્યચકિત થયો હતો. મને લાગ્યું કે તે ઘાયલ થઈ ગયો છે.’
આ મુદ્દે ડીવિલિયર્સે બંધ બારણા પાછળ થતી પસંદગીનો પણ સંકેત આપ્યો હતો. જો કે તેનો સ્વર સંયમિત હતો.
આ પણ વાંચો: ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં, જાણો કેમ ઊઠ્યાં સવાલ, શું છે અસલ કારણ
એટલા માટે ગાવસ્કરે કહ્યું કે, 'આજે પબ્લિક મીડિયાના યુગમાં જ્યાં વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવા એ જ મુખ્ય વિષય છે, ત્યાં નંબર્સ વધારવાનો સૌથી ઝડપી રસ્તો એ છે કે ભારતીય મુદ્દા પર ટિપ્પણી કરવી અને મોટા ભાગે, તેઓ તે નકારાત્મક રીતે કરે છે, તેથી ભારતીય યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળે છે, જેના કારણે તેમના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે ભારતીય ટીમ વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે ભારતીય મીડિયા તે દેશના પૂર્વ ખેલાડીઓને ઇન્ટરવ્યૂ માટે પકડે છે, જેમને ત્યાંના લોકો પણ ભૂલી ગયા હોય છે.'