'ખેલાડીઓનો શું વાંક, એમની ટીકા ખોટી..' પાકિસ્તાન સામે મેચ અંગે ભડક્યાં ગાવસ્કર
Asia Cup 2025: એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. તેના માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી સપ્ટેમ્બરે મેચ યોજાવાની છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ મેચને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. હરભજન સિંહ જેવા કેટલાક પૂર્વ ક્રિકેટરો અને કેટલાક નેતાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, 'આ નિર્ણયમાં ટીમના ખેલાડીઓનો કોઈ વાંક નથી. તે BCCI અને ભારત સરકારના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે.'
ખેલાડીઓ આ બાબતે લાચાર છે:સુનીલ ગાવસ્કર
મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું, 'જો સરકારે કોઈ નિર્ણય લીધો હોય, તો ખેલાડીઓની ટીકા કેવી રીતે થઈ શકે છે અથવા તેમના પર ટિપ્પણીઓ કેવી રીતે કરી શકાય છે. ખેલાડીઓનો BCCI સાથે કરાર છે અને તે ભારત સરકાર પાસેથી સૂચનાઓ લેતા હોવા જોઈએ. તેથી બધું તેમના પર નિર્ભર છે.'
ખેલાડીઓના મેચ રમવા અંગે સુનીલ ગાવસ્કરે કહ્યું, 'ખેલાડીઓ આ બાબતે લાચાર છે. તેને એશિયા કપમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યા છે અને જો સરકાર કહે કે તમારે રમવું પડશે તો તે જશે અને રમશે. જો સરકાર ના કહેશે, તો BCCI તે મુજબ કાર્યવાહી કરશે.'
કેદાર જાધવ, હરભજન પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાના પક્ષમાં
કેદાર જાધવ અને હરભજન સિંહે બીસીસીઆઈને સલાહ આપી છે કે, પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. હરભજને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સની મેચોમાં ભાગ લીધો હતો, ત્યારે પણ તે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરનારા ખેલાડીઓમાં સામેલ હતો. જ્યારે કેદાર જાધવે એશિયા કપ-2025માં પાકિસ્તાન સાથેની મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરતા કેદાર જાધવે કહ્યું હતું કે, ‘ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ. મને વિશ્વાસ છે કે, ભારત નહીં રમે. ભારત-પાકિસ્તાન જ્યાં પણ મેચ રમશે, તેમાં ભારત જ જીતશે, પરંતુ આ મેચ ન રમાવી જોઈએ. હું દાવા સાથે કહું છું કે, મેચ નહીં રમાય.’
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો શુભમન ગિલ વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.