Get The App

યૌન શોષણ કેસમાં સ્ટાર ક્રિકેટર યશ દયાલને મોટી રાહત, હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
યૌન શોષણ કેસમાં સ્ટાર ક્રિકેટર યશ દયાલને મોટી રાહત, હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવી 1 - image


Yash Dayal Case: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે જોડાયેલા ક્રિકેટર યશ દયાલને અલ્હાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે યશ દયાલની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે, છઠ્ઠી જુલાઈના રોજ એક મહિલાએ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં યશ દયાલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યશ દયાલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું...

અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે તેમની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ કેસમાં મૌખિક ટિપ્પણી પણ કરી છે અને કહ્યું છે કે બંને 5 વર્ષથી સંબંધમાં હતા. તેથી, એવું ન કહી શકાય કે લગ્નના ખોટા વચનો આપીને આ સંબંધ બંધાયો હતો. કોર્ટે પીડિતાને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ જવાબ દાખલ કરવા કહ્યું છે. અરજદાર યશ દયાલના વકીલ ગૌરવ ત્રિપાઠીએ કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો. કેસની આગામી સુનાવણી 4 થી 6 અઠવાડિયા પછી થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અનિલ કુમાર દશમની ડિવિઝન બેન્ચમાં થઈ હતી.

યશ દયાલ પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ

ગાઝિયાબાદની એક મહિલાએ ફાસ્ટ બોલર યશ દયાલ પર લગ્નના બહાને શોષણનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે તે છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટર સાથે સંબંધમાં હતી. આ દરમિયાન તેનું ભાવનાત્મક, માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ, સ્ટાર ઓસ્ટ્રેલિયન બોલરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ


કોણ છે ક્રિકેટર યશ દયાલ?

યશ દયાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની IPL 2025 ની સિઝનમાં 15 મેચમાં 13 વિકેટ લીધી હતી. તે 2022 માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાનો સભ્ય પણ રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ઉત્તર પ્રદેશ ટીમ માટે રમે છે. બાંગ્લાદેશ સિરીઝ અને બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અત્યાર સુધી કોઈ મેચ રમવાની તક મળી નથી.

27 વર્ષીય યશ દયાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 27 મેચમાં 84 વિકેટ લીધી છે, જેમાં તેની બેસ્ટ બોલિંગ 5/48 છે. લિસ્ટ A ક્રિકેટમાં તેણે 23 મેચમાં 36 વિકેટ લીધી છે. તેમજ તેણે 71 T20 ક્રિકેટ મેચમાં 66 વિકેટ લીધી છે અને તેનું બેસ્ટ પરફોર્મન્સ 3/20 રહ્યું છે. IPL ની વાત કરીએ તો, તેણે 2 ટીમ માટે 43 મેચ રમીને 41 વિકેટ લીધી છે. તે IPL ની 2022 અને 2023 સીઝનમાં ગુજરાત માટે રમ્યો હતો, જ્યારે તે 2024 અને 2025 IPL સીઝનમાં RCB નો ભાગ હતો.

Tags :