Get The App

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ, સ્ટાર ઓસ્ટ્રેલિયન બોલરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ, સ્ટાર ઓસ્ટ્રેલિયન બોલરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ 1 - image


Fastest 5 wicket haul in test cricket: કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. ટેસ્ટ કારકિર્દીમાં પોતાની 100મી મેચ રમતા સ્ટાર્કે વિન્ડીઝ ટીમની બીજી ઈનિંગમાં તરખાટ મચાવ્યો હતો. મિશેલ સ્ટાર્કે ત્રીજી ટેસ્ટમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ અર્ની ટૉસહેકના નામે હતો. તેણે 1947માં ભારતીય ટીમ સામે 19 બોલમાં 5 વિકેટ ઝડપી હતી. હવે 78 વર્ષ બાદ સ્ટાર્કે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. 

ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 204 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ 27 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે. વેસ્ટ ઈન્ડીઝના 7 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી નહોતા શક્યા, મિશેલ સ્ટાર્કે 6 વિકેટ અને સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી. 1 વિકેટ જોશ હેઝલવુડે લીધી હતી. 

સ્ટાર્કે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સ્ટાર્કે પહેલી ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી, પહેલા જ બોલ પર જોન કેમ્પબેલ (0) ને આઉટ કર્યો. પાંચમા બોલ પર કેવલેન એલ્સ્ટન એન્ડરસન (0) અને છેલ્લા બોલ પર બ્રેન્ડન કિંગ (0) ને આઉટ કર્યો. ત્યારબાદ પાંચમી ઓવરમાં તેણે મિકાઈલ લુઈસ (4) અને શાઈ હોપ (2)ને આઉટ કરીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

આ પણ વાંચો: જે ખેલાડીઓએ એજબેસ્ટનમાં મેચ જીતાડી તેમણે જ લોર્ડ્સમાં નૈયા ડૂબાડી, જાણો હારના 7 કારણ

સ્ટાર્કે 15 બોલમાં પોતાની 5 વિકેટ પૂરી કરી, જે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી પાંચ વિકેટ હોલ છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના અર્ની ટૉસહેકના નામે હતો. તેણે 1947માં 19 બોલમાં 5 વિકેટ ખેરવી હતી. 2015માં સ્ટુઅર્ટ બ્રોડ અને સ્કોટ બોલેન્ડે આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી પરંતુ તેને તોડી નહોતા શક્યા. 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાનો સ્કોર

26- ન્યુઝીલેન્ડ (vs ઈંગ્લેન્ડ)- 1955

27- વેસ્ટ ઈન્ડીઝ (vs ઓસ્ટ્રેલિયા)- 2025

30- દક્ષિણ આફ્રિકા (vs ઈંગ્લેન્ડ)- 1896

30- દક્ષિણ આફ્રિકા (vs ઈંગ્લેન્ડ)- 1924

સ્ટાર્કે પોતાના ટેસ્ટ કરિયરમાં 400 વિકેટ પણ પૂર્ણ કરી

આ ઐતિહાસિક પ્રદર્શન સાથે સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાને જીત તરફ તો દોરી જ પરંતુ આ સાથે જ તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં 400 વિકેટ પણ પૂર્ણ કરી. તે ઓસ્ટ્રેલિયા માટે 400 ટેસ્ટ વિકેટ લેનાર ચોથો બોલર બન્યો છે. ઓસ્ટ્રેલિયા માટે ઝડપી બોલરોમાં તે ગ્લેન મેકગ્રા પછી બીજા ક્રમે છે. તેની 100મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ વધુ ખાસ બની. આ મેચમાં સ્ટાર્કની ઘાતક બોલિંગે સમગ્ર વેસ્ટ ઈન્ડિઝ ટીમને માત્ર 27 રનમાં આઉટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

Tags :