સાઉથ આફ્રિકાના દિગ્ગજે રોહિત શર્માનો રેકોર્ડ બ્રેક કરી રચ્યો ઈતિહાસ, ક્રીઝ પર 9 કલાક અડીખમ બેટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Temba Bavuma Breaks Rohit Sharma WTC Record: ઓસ્ટ્રેલિયા સામે ગકેબરહા ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઐતિહાસિક અને મેરેથોન ઇનિંગ રમીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી ઉગારી લીધી છે. પ્રારંભિક ઝટકાઓ બાદ કંગાળ સ્થિતિમાં મુકાયેલી આફ્રિકન ટીમને બાવુમાએ પોતાની કેપ્ટનશીપ ઇનિંગ્સથી મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. આ શાનદાર ઇનિંગ દરમિયાન બાવુમાએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમરે કેપ્ટન તરીકે સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ હવે ટેમ્બા બાવુમાના નામે નોંધાઈ ગયો છે. આ મેચની શરૂઆત વખતે બાવુમાની ઉંમર 36 વર્ષ અને 154 દિવસ હતી.
આ અગાઉ આ ખાસ સિદ્ધિ ભારતના રોહિત શર્માના નામે હતી, જેમણે વર્ષ 2023માં નાગપુર ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે 35 વર્ષ અને 285 દિવસની ઉંમરે સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. બાવુમાએ હવે રોહિતને પાછળ છોડીને આ સ્થાન પોતાના નામે કરી લીધું છે.
ક્રીઝ પર 9 કલાકથી વધુ સમય વિતાવ્યો
એક તબક્કે સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ ખરાબ રીતે લથડી પડી હતી અને ટોપ ઓર્ડર બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. સ્કોરબોર્ડ પર સામાન્ય રન હતા ત્યારે ટીમ પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ જશે તેવું લાગતું હતું. પરંતુ કેપ્ટન બાવુમા એક છેડે ખડકની જેમ અડીખમ ઊભા રહી ગયા હતા. તેમણે ઓસ્ટ્રેલિયન બોલરોના પરસેવા છોડાવતાં 338 બોલમાં 179 રનની ધીરજપૂર્ણ અને લડાયક ઇનિંગ રમી હતી. બાવુમાએ મેદાન પર કુલ 547 મિનિટ એટલે કે 9 કલાક અને 7 મિનિટ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો.
યાનસેન અને હાર્મરનો સાથ, આફ્રિકાએ ખડક્યો 425 રનનો પહાડ
એકલા હાથે સંઘર્ષ કરી રહેલા બાવુમાને લોઅર ઓર્ડરમાં માર્કો યાનસેન અને સાયમન હાર્મરનો જોરદાર સાથ મળ્યો હતો. યાનસેને આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં 85 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે સ્પિનર સાયમન હાર્મરે પણ સૂઝબૂઝપૂર્વક 82 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ મજબૂત ભાગીદારીઓના દમ પર સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 127.1 ઓવરમાં 9 વિકેટે 425 રનનો વિશાળ સ્કોર બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત પણ નબળી રહી હતી અને સ્ટાર બોલર કાગિસો રબાડાએ શરૂઆતમાં જ ઝટકો આપી દીધો હતો, જેના કારણે આ મુકાબલામાં સાઉથ આફ્રિકાની સ્થિતિ અત્યંત મજબૂત બની ગઈ છે.




