Get The App

IND vs SA: ત્રીજી વનડે મેચમાં સાઉથ આફ્રિકાની 9 વિકેટથી કારમી હાર, ભારતે 2-1થી સીરિઝ જીતી

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
IND vs SA: ત્રીજી વનડે મેચમાં સાઉથ આફ્રિકાની 9 વિકેટથી કારમી હાર, ભારતે 2-1થી સીરિઝ જીતી 1 - image
Image Source: IANS

IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની અંતિમ મેચ આજે(6 ડિસેમ્બર) વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ભારતે 2-1થી સીરિઝ જીતી લીધી છે. ભારતે બે વર્ષમાં પહેલી વાર ટોસ જીત્યો અને કેએલ રાહુલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 47.5 ઓવરમાં 270 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 271 રન બનાવીને ભવ્ય જીત હાંસલ કરી છે.

ભારતીય ટીમની જીતમાં યશસ્વી જયસ્વાલની મહત્ત્વની ઈનિંગ રહી. યશસ્વીએ 121 બોલમાં અણનમ 116 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ રહ્યા. યશસ્વીના વનડે કરિયરની આ પહેલી સદી રહી. વિરાટ કોહલી (65 રન અણનમ) અને રોહિત શર્મા (75 રન)એ પણ જોરદાર પ્રદર્શન કર્યું.

આ જીત સાથે જ ભારતે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ મેચોની વનડે સીરિઝ પર 2-1થી કબજો કરી લીધો. જણાવી દઈએ કે, રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે 17 રનથી શાનદાર જીત મેળવી હતી. ત્યારબાદ રાયપુર વનડેમાં સાઉથ આફ્રિકાએ વાપસી કરતા 4 વિકેટથી જીત હાંસલ કરી.

વિરાટ કોહલીએ ફટકાર્યો જીતનો ચોગ્ગો

લુંગી એનગિડીની 40મી ઓવરના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલે ચોગ્ગો ફટકાર્યો, બીજા બોલ પર તેમણે એક રન લીધો. ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારીને ભારતને જીત સુધી પહોંચાડ્યું. ભારતે નિર્ણાયક મુકાબલો 9 વિકેટથી જીતી લીધો છે.

વિરાટ કોહલીની 76મી અડધી સદી

39મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂર્ણ કરી. કોહલીએ 40 બોલમાં તેને પૂર્ણ કરી. કોહલીએ 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીની મદદથી અડધી સદી પૂર્ણ કરી છે. તેણે પોતાની 76મી ODI ફિફ્ટી સ્ટાઇલમાં પૂર્ણ કરી. તેમણે અડધી સદી ફટકાર્યા બાદ આ મેચમાં પોતાનો ત્રીજો છગ્ગો ફટકાર્યો.

યશસ્વી જયસ્વાલની પહેલી ODI સદી

યશસ્વી જયસ્વાલે પોતાની ચોથી ODI મેચમાં પહેલી સદી ફટકારી. કોર્બિન બોશની ઓવરમાં એક રન લઈને તેણે પોતાની સદી પૂર્ણ કરી. તેણે 111 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી છે, જેમાં 1 છગ્ગો અને 10 ચોગ્ગા સામેલ છે.

રોહિત શર્માએ બનાવ્યા બે રેકોર્ડ

રોહિત શર્માએ ત્રણ છગ્ગા, સાત ચોગ્ગા સાથે 73 બોલમાં ધુંઆધાર 75 રન ફટકાર્યા. આજે રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 20 હજાર રન પૂર્ણ કર્યા. 20 હજારથી વધુ રન બનાવનારો તે ભારતનો ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર પ્રથમ, વિરાટ કોહલી દ્વિતીય, રાહુલ દ્રવિડ તૃતીય, રોહિત શર્મા ચોથા જ્યારે સૌરવ ગાંગુલી પાંચમા સ્થાને છે. આ સિવાય રોહિત શર્માએ ભારતમાં 5000 ODI રન પણ પૂરા કર્યા છે.

ભારતની સારી બોલિંગ

આજે પ્રસિધ કૃષ્ણા અને કુલદીપ યાદવે દમદાર બોલિંગ કરીને તરખાટ મચાવ્યો. સાઉથ આફ્રિકાએ અર્શદીપ સિંહની ઓવરમાં માત્ર 1 રનના સ્કોર પર જ પહેલી વિકેટ ગુમાવી. ક્વિન્ટન ડિકૉક અને ટેમ્બા બાવુમાએ 112 રનની પાર્ટનરશિપ કરી. બાદમાં રવીન્દ્ર જાડેજાએ બાવુમાને પવેલીયનભેગો કર્યો. ભારતીય બોલર્સે સાઉથ આફ્રિકાની ટીમને 270 રનમાં સમેટી નાંખી. 

Tags :