દુર્ઘટનામાં માંડ માંડ બચ્યો સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભીનો જીવ, વોટર સ્પોર્ટ્સ દરમિયાન બોટ ડૂબી
Sourav Ganguly Brother Boat Accident: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલી અને તેની પત્ની અર્પિતા ગાંગુલીનો એક દુર્ઘટનામાં માંડ માંડ જીવ બચ્યો છે. બંને રજા માણવા માટે ઓડિશાના પુરી ગયા હતા. ત્યાં બીચ પર વોટર સ્પોર્ટ્સ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. તેમની સ્પીડબોટ દરિયામાં પલટી ગઈ હતી. ત્યારબાદ બધાને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. અધિકારીઓએ તેમને બચાવવા માટે રબર ફ્લોટ્સનો ઉપયોગ કર્યો.
વોટર સ્પોર્ટ્સ દરમિયાન બોટ ડૂબી
સ્નેહાશીષ ગાંગુલી અને તેની પત્ની અન્ય લોકો સાથે દરિયામાં વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જોરદાર મોજાના કારણે બોટ પલટી ગઈ. અર્પિતા ગાંગુલીએ આરોપ લગાવ્યો કે 'મુસાફરોની ક્ષમતા ઓછી હોવાના કારણે બોટ હલકી હતી, જેના કારણે તે પલટી ગઈ. દરિયામાં પહેલાથી જ જોરદાર મોજા ઉછળી રહ્યા હતા. બોટમાં 10 લોકોની ક્ષમતા હતી, પરંતુ પૈસાના લોભના કારણે તેમણે માત્ર ત્રણથી ચાર લોકોને જ સવાર થવા દીધા. આ દિવસની છેલ્લી બોટ હતી જે દરિયામાં જઈ રહી હતી. અમે દરિયામાં જવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ઓપરેટરોએ અમને કહ્યું કે બધું બરાબર છે.'
હું હજુ પણ આઘાતમાં છું
અર્પિતાએ આગળ કહ્યું કે, 'જેવા અમે દરિયાની અંદર ગયા કે તરત જ મોજાએ બોટને ટક્કર મારી દીધી. જો લાઈફગાર્ડ્સ ન આવ્યા હોત, તો અમે બચી શક્યા ન હોત. હું હજુ પણ આઘાતમાં છું. મેં ક્યારેય આવું કંઈ નથી અનુભવ્યું. જો બોટમાં વધુ લોકો હોત, તો કદાચ તે ન પલટી હોત.' તેમણે આવી પ્રવૃત્તિઓ માટે બોટનું સંચાલન કરનારા ઓપરેટરોની વધુ ઊંડી તપાસની માગ કરી.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના રવિવારે સાંજે લાઈટહાઉસ વિસ્તાર નજીક હોટલ સોનાર બાંગ્લા સામે દરિયા કિનારા પાસે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સ્પીડબોટ ઊંડા પાણીમાં જઈ રહી હતી, ત્યારે તે પલટી ગઈ. આ કારણે તેમાં સવાર લોકો થોડા સમય માટે પાણીમાં ડૂબી ગયા અને ફસાઈ ગયા. અહેવાલ પ્રમાણે કોઈપણ પીડિતને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી પડી. અહેવાલ પ્રમાણે સ્પીડબોટ એક પ્રાઈવેટ એડવેન્ચર કંપની હેઠળ કામ કરતા બિનપ્રશિક્ષિત અથવા બિનઅનુભવી કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી હતી.