હવે તેને ભૂલ સમજાઈ છે, તે કોહલીની નકલ નથી કરતો... કૈફનું યુવા ખેલાડી અંગે નિવેદન
Shubman Gill Realizes His Mistake : પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટર ટેસ્ટમાં શુભમન ગિલ દ્વારા મેદાનમાં બતાવેલા અંદાજથી ખૂબ જ પ્રભાવિત છે. કૈફે કહ્યું કે, યુવા કેપ્ટનને પોતાની ભૂલ સમજાઈ છે અને ચોથી ટેસ્ટમાં તેઓ ખૂબ જ શાંત અને સંયમિત જોવા મળ્યો. હવે તે વિરાટ કોહલીનું અનુકરણ નથી કરતો.’
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને ચૂંટણી મેદાનમાં ઉતારશે કોંગ્રેસ? મંત્રીએ આપ્યા સંકેત
કેપ્ટન તરીકે તે શાંત જોવા મળ્યો
કૈફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોર્ડ્સ ટેસ્ટમાં આક્રમકતાની ટીકાનો સામનો કર્યા પછી ગિલ ઓલ્ડ ટ્રેફોર્ડમાં વિરાટ કોહલીની નકલ કરતો ન દેખાયો. તે કેપ્ટન તરીકે શાંત અને સંયમિત જોવા મળ્યો અને ભારતની બીજી ઇનિંગમાં સદી ફટકારીને મેચ બચાવવાની મુખ્ય ભૂમિકામાં રહ્યો હતો. આ ડ્રો ને કારણે ભારતીય ટીમે સીરિઝને જીવંત રાખી છે અને હવે તે ઓવલ ટેસ્ટ સીરીઝ જીતીને 2-2 થી બરાબરી પર સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.
લોર્ડ્સ ટેસ્ટની બંને ઇનિંગમાં તેનું બેટ શાંત રહ્યું
લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલ મેદાનમાં ઉતરતા ખૂબ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો હતો. બેટિંગ દરમિયાન ઇરાદાપૂર્વક સમય બગાડવાની ઇંગ્લેન્ડની ચાલાકી પર થોડાક સમય માટે પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો અને જેક ક્રોલી સાથે ઝઘડી ઉઠ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટની બંને ઇનિંગમાં તેનું બેટ શાંત રહ્યું. જેના કારણે તેની ઘણી ટીકા પણ થઈ હતી તેમજ કેટલાક લોકો એમ કહી રહ્યા હતા કે, તે વિરાટ કોહલીની નકલ કરી રહ્યો હતો. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે તો એમ પણ કહ્યું હતું કે, ઇંગ્લેન્ડના ખેલાડીઓ સાથે ઝઘડો થવાથી ગિલની બેટિંગ પર અસર પડી હતી.
વિરાટ કોહલીની નકલ કરવાની તેની ભૂલનો અહેસાસ થયો
કૈફનું માનવું છે કે, કેપ્ટન તરીકે શુભમન ગિલના શાંત સ્વભાવ અને ઠંડા મગજના રમતની તેની બેટિંગ પર સકારાત્મક અસર પડી હતી. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે 'આ ટેસ્ટમાં તમે બધાએ જોયું હશે કે, જ્યારે પણ કેમેરાનું ધ્યાન તેના પર ગયું, ત્યારે તે શાંત દેખાતો હતો. તેને વિરાટ કોહલીની નકલ કરવાની તેની ભૂલનો અહેસાસ થયો. તેને તેના શાંત સ્વભાવનો ફાયદો સમજાયો છે અને તેનાથી બેટિંગમાં પણ સુધારો થયો છે.'
કૈફે માન્ચેસ્ટર ટેસ્ટમાં સ્પિનર કુલદીપ યાદવને ન રમવાને મોટી ભૂલ કહી હતી. તેણે કહ્યું, 'માન્ચેસ્ટરમાં કુલદીપ યાદવને ન રમવું એ એક મોટી ભૂલ હતી... તમારે ડાબા હાથના સ્પિનરની જરૂર હતી. મને લાગે છે કે, આ ઓવલ ખાતે આગામી ટેસ્ટમાં રમશે કારણ કે ભારત સીરિઝમાં 1-2 થી પાછળ છે.