ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટનને ચૂંટણી મેદાનમાં ઉતારશે કોંગ્રેસ? મંત્રીએ આપ્યા સંકેત
Mohammad Azharuddin: તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. જોકે, ચૂંટણી કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, પરંતુ કોંગ્રેસ અને BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) બંને આ બેઠક જીતવા માટે મજબૂત ઉમેદવારની શોધમાં છે. આ બેઠક પર 2014થી BRSનો કબજો રહ્યો છે.
કોંગ્રેસમાંથી અઝહરુદ્દીનને ટિકિટ મળવાના સંકેત
જ્યુબિલી હિલ્સમાં પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકરે સંકેત આપ્યા છે કે ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના કૅપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને પાર્ટી પોતાના ઉમેદવાર બનાવી શકે છે. પોન્નમ પ્રભાકરે અઝહરુદ્દીનની હાજરીમાં જણાવ્યું કે, આ વખતે પાર્ટી કોઈ બાહ્ય ઉમેદવારને નહીં, પરંતુ સ્થાનિક નેતાને જ મેદાનમાં ઉતારશે. જોકે, અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ જ લેશે.
આ બેઠક 8 જૂને વર્તમાન ધારાસભ્ય અને BRS નેતા મગંતી ગોપીનાથના નિધનથી ખાલી પડી છે. 2023ની ચૂંટણીમાં ગોપીનાથે અઝહરુદ્દીનને 16,000થી વધુ મતોથી હરાવ્યા હતા.
BRSનો ત્રણ વખતથી કબજો અને નવા દાવેદારો
મગંતી ગોપીનાથ આ બેઠક પરથી સતત ત્રણ વખત જીત્યા હતા. 19 જૂને અઝહરુદ્દીને પોતાને જ્યુબિલી હિલ્સથી ઉમેદવાર જાહેર કર્યા હતા અને તેને પોતાની 'ઘરેલું વિધાનસભા બેઠક' ગણાવી હતી. જોકે, પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારની ઔપચારિક જાહેરાત કરાઈ નથી.
બીજી તરફ, મોટા પક્ષોએ હજુ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી, ત્યારે હૈદરાબાદ યુથ કરેજ(HYC)ના સ્થાપક અને પ્રમુખ સલમાન ખાન ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મહેશ કુમાર ગૌડે અઝહરુદ્દીનના નિવેદનના બીજા જ દિવસે સ્પષ્ટતા કરી કે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી. પહેલાં ઇચ્છુક નેતાઓ અરજી આપે છે, ત્યારબાદ તે નામોને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને કાર્ય સમિતિમાં મોકલવામાં આવે છે, જ્યાં અંતિમ નિર્ણય થાય છે. તાજેતરમાં, અઝહરુદ્દીનને તેલંગાણા કોંગ્રેસની રાજકીય બાબતોની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમના પુત્ર મોહમ્મદ અસદુદ્દીનને પણ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા છે.