અય્યર-જયસ્વાલ બહાર, રિન્કુને તક... ટીમ ઈન્ડિયાને આ 4 ફેરફારો ભારે ન પડી જાય!
Team India Asia Cup 2025: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. બીજી તરફ શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાનીમાં થયેલી મીટિંગમાં ટીમનું એલાન કરવામાં આવ્યું હતું.
આ ટીમમાં શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ જેવા મોટા નામો ગાયબ છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઘણાં ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. એશિયા કપ પહેલા BCCI એ કેટલાક આવા જ એક્સપેરિમેન્ટ કર્યા છે, જે કાં તો આ ટુર્નામેન્ટમાં ટીમની તાકાત બનશે અથવા ટીમને મુશ્કેલીમાં મુકશે. ચાલો જાણીએ આ બધા એક્સપેરિમેન્ટ વિશે.
1. અક્ષર પટેલના સ્થાને શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવો કેટલો યોગ્ય?
ટીમ ઈન્ડિયાની આ ટીમ જાહેરાતમાં સૌથી મોટી અને આશ્ચર્યજનક બાબત શુભમન ગિલને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવો. આ પહેલા અનુભવી ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ જવાબદારી નિભાવતો નજર આવ્યો હતો.
ગિલને T20 ટીમમાં સામેલ કરવાનો અર્થ એ છે કે હવે BCCI તેને ત્રણેય ફોર્મેટ માટે લાંબા સમય માટે તૈયાર કરી રહ્યું છે. ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ગિલે 5 ટેસ્ટ મેચમાં રેકોર્ડ 754 રન બનાવ્યા હતા.
શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવાનો BCCIનો નિર્ણય કદાચ ખોટો પણ સાબિત થઈ શકે છે. કારણ કે 2023માં ડેબ્યૂ બાદ ગિલનું T20 ક્રિકેટમાં પ્રદર્શન શાનદાર નથી રહ્યું. તેણે 21 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 30.42ની એવરેજથી 578 રન બનાવ્યા છે.
2. યશસ્વી જયસ્વાલની સ્ટેન્ડ બાય તરીકે પસદંગી કેટલી યોગ્ય?
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર અને ઉભરતા સ્ટાર યશસ્વી જયસ્વાલને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા. તેને સ્ટેન્ડ બાય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જયસ્વાલનું T20 કરિયર શાનદાર રહ્યું છે. 2023માં ડેબ્યૂ કર્યા પછી તેણે 23 મેચોમાં 36.15ની એવરેજથી 723 રન બનાવ્યા છે. તેણે જુલાઈ 2024માં શ્રીલંકા સામે પોતાની છેલ્લી T20 મેચ રમી હતી. યશસ્વી ટીમમાં ન હોવા પર અગરકરે કહ્યું - તે દુર્ભાગ્યપૂર્ણ છે.
3. શ્રેયસ અય્યરની અવગણના કરવી કેટલી યોગ્ય?
ODI ક્રિકેટમાં ભારતીય ટીમના મિડલ ઓર્ડરની સૌથી મજબૂત કડી માનવામાં આવતા શ્રેયસ અય્યરને સિલેક્ટર્સે ટીમમાં સ્થાન ન આપીને કદાચ મોટી ભૂલ કરી છે. ફ્લોપ મિડલ ઓર્ડરને કારણે ટીમ છેલ્લા કેટલાક સમયથી ટીકાઓનો સામનો કરી રહી હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રેયસની વિસ્ફોટક ઈનિંગ્સે ટીમને આ સમસ્યાનો ઉકેલ આપ્યો હતો.
આ લિસ્ટમાં ટીમના મિડલ ઓર્ડર માટે શ્રેયસના વિકલ્પ તરીકે તિલક વર્માને જોવામાં આવી રહ્યો છે. જેને જોઈને ભારતીય ચાહકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં T20 ક્રિકેટમાં મિડલ ઓવરોમાં સ્પિન સામે શ્રેયસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
આમ તો અય્યરનું T20 કરિયર કંઈ ખાસ નથી રહ્યું. તેણે 51 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 30.66ની એવરેજથી 1104 રન બનાવ્યા છે. પરંતુ તેણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું. ઐયરે આઈપીએલ 2025ની 17 મેચોમાં 175.07 ના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા હતા. જેમાં તેના નામે 6 અડધી સદી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી ફાઈનલમાં પહોંચ્યું હતું.
આ પણ વાંચો: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાને કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
શ્રેયસને ટીમમાં સામેલ ન કરવા અંગે ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું કે, 'આમાં (શ્રેયસની) કોઈ ભૂલ નથી. પરંતુ તમારે કહેવું પડશે કે તે કોનું સ્થાન લઈ શકે છે. તેણે પોતાની તકની રાહ જોવી પડશે.'
4. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રિન્કુ સિંહને આપ્યું સ્થાન
રિન્કુ સિંહ છેલ્લી કેટલીક મેચોમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ અને IPL બંનેમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના નીચલા ક્રમને મજબૂત બનાવનાર રિન્કુ સિંહ છેલ્લા કેટલાક સમયથી બેટથી સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેણે પોતાની છેલ્લી 7 T20 ઈન્ટરનેશનલ મેચોમાં માત્ર 67 રન બનાવ્યા છે.
બીજી તરફ IPL ની છેલ્લી બે સીઝન પણ રિન્કુ માટે ખૂબ જ ખરાબ રહી છે. તેણે IPL 2024ની 15 મેચોની 11 ઈનિંગ્સમાં 18.66ની એવરેજથી માત્ર 168 રન બનાવ્યા હતા. જ્યારે 2025માં રિન્કુ 13 મેચોની 11 ઇનિંગ્સમાં 29.43ની એવરેજથી માત્ર 206 રન બનાવી શક્યો હતો.
એશિયા કપ-2025માં આ ખેલાડીઓની એન્ટ્રી
- સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- અક્ષર પટેલ
- જીતેશ શર્મા (વિકેટ કિપર)
- જસપ્રિત બુમરાહ
- અર્શદીપ સિંહ
- વરુણ ચક્રવર્તી
- કુલદીપ યાદવ
- સંજૂ સેમસન (વિકેટ કિપર)
- હર્ષિત રાણા
- રિન્કુ સિંહ
એશિયા કપ 2025 માટે સ્ટેન્ડ બાય ખેલાડી: પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ
- 5 બેટ્સમેન: સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, રિન્કુ સિંહ
- 3 ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ
- 2 સ્પિન બોલર: વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ
- 3 પેસ બોલર: અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ
- વિકેટ કીપર: જીતેશ શર્મા, સંજુ સેમસન