IND vs NZ: ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમ 21 જાન્યુઆરીથી પાંચ મેચોની T20 સીરિઝ પણ રમશે. આ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં બે મોટા ફેરફાર કરાયા છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે T20 સીરિઝથી બહાર થઈ ગયો છે, જ્યારે તિલક વર્મા પણ શરૂઆતની ત્રણ T20 મેચથી બહાર થઈ ચૂક્યો છે.
આ T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સ્ટાર બેટર શ્રેયસ ઐયર અને લેગ-સ્પિનર રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. રવિ બિશ્નોઈને પાંચેય મેચ માટે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર મધ્યમ ક્રમના બેટર તિલક વર્માના સ્થાને પ્રથમ ત્રણ T20 મેચ માટે ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: વિરાટ કોહલીને લઇને ICC એ મોટી ગરબડ કર્યા બાદ આખરે ભૂલ સુધારી, ફેન્સનું કન્ફ્યૂઝન દૂર!
વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ODI દરમિયાન બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને પાંસળીના નીચેના ભાગમાં ભારે દુખાવો થયો હતો. સ્કેન અને નિષ્ણાત ડૉક્ટરની તપાસમાં સાઇડ સ્ટ્રેન ઇન્જરી હોવાનું પુષ્ટિ મળી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની મેડિકલ ટીમે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે, ત્યારબાદ તેઓ વધુ સારવાર માટે બેંગલુરુમાં BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં રિપોર્ટ કરશે.
બે વર્ષ બાદ T20 ટીમમાં શ્રેયસ ઐયર
જમણેરી બેટર શ્રેયસ ઐયર બે વર્ષ પછી ભારતીય T20 ટીમમાં પાછા ફર્યા છે. શ્રેયસે છેલ્લે ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે T20I મેચ રમી હતી. શ્રેયસે અત્યાર સુધી 51 T20Iમાં 30.66 ની સરેરાશથી 1104 રન બનાવ્યા છે, જેમાં આઠ અડધી સદીનો સમાવેશ થાય છે. જો તિલક વર્મા સંપૂર્ણપણે ફિટ ન થાય, તો શ્રેયસને આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમમાં પણ સામેલ કરી શકાય છે.
રવિ બિશ્નોઈ એક સમયે T20 ફોર્મેટમાં ભારતના સૌથી શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક હતા. તેમની આક્રમક બોલિંગ શૈલી બેટર પર દબાણ લાવવામાં મદદ કરે છે, ખાસ કરીને મધ્ય ઓવરોમાં. બિશ્નોઈની વાપસી ભારતીય સ્પિન વિભાગને મજબૂત બનાવશે, ખાસ કરીને કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી સાથે. બિશ્નોઈએ છેલ્લે ફેબ્રુઆરી 2025 માં ઇંગ્લેન્ડ સામે ભારત માટે T20 મેચ રમી હતી. બિશ્નોઈએ ભારત માટે અત્યાર સુધી 42 T20I માં 61 વિકેટ લીધી છે.
ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝ માટે ભારતની અપડેટ કરેલી ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (પ્રથમ ત્રણ મેચ), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઇશાન કિશન (વિકેટકીપર), રવિ બિશ્નોઈ.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝનું શેડ્યૂલ
• 21 જાન્યુઆરી - પ્રથમ T20, નાગપુર
• 23 જાન્યુઆરી - બીજી T20, રાયપુર
• 25 જાન્યુઆરી - ત્રીજી T20, ગુવાહાટી
• 28 જાન્યુઆરી - ચોથી T20, વિશાખાપટ્ટનમ
• 31 જાન્યુઆરી - પાંચમી T20, તિરુવનંતપુરમ


