| (Image - instagram.com/aman_mokhade) |
Aman Mokhade: વિદર્ભના ઓપનર બેટર અમન મોખડેએ ડોમેસ્ટિક ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. 25 વર્ષીય આ યુવા ખેલાડીએ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ તેણે માત્ર 16 ઇનિંગ્સમાં મેળવી છે, જેની સાથે તેણે દેવદત્ત પડિક્કલ અને અભિનવ મુકુંદનો 17 ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈશ્વિક સ્તરે પણ મોખડેએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ પોલોકની બરાબરી કરી લીધી છે, કારણ કે અત્યાર સુધી દુનિયામાં કોઈ પણ ખેલાડી 16થી ઓછી ઇનિંગ્સમાં આ આંકડા સુધી પહોંચી શક્યો નથી.
ખરાબ શરૂઆત બાદ વિદર્ભની શાનદાર વાપસી
વિજય હઝારે ટ્રોફી 2025-26ની સેમીફાઈનલ મેચમાં કર્ણાટક સામે 138 રનની શાનદાર ઇનિંગ રમીને મોખડેએ આ રેકોર્ડ બનાવ્યો હતો. મેચની વાત કરીએ તો, કર્ણાટકે પ્રથમ બેટિંગ કરતા 280 રન બનાવ્યા હતા, જેમાં કરુણ નાયરની ફિફ્ટી મુખ્ય હતી. વિદર્ભ તરફથી બોલિંગમાં દર્શન નાલકંડેએ 5 વિકેટ ઝડપીને કર્ણાટકની બેટિંગ લાઈનઅપને રોકી રાખી હતી. 281 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમની શરૂઆત નબળી રહી હતી, પરંતુ અમન મોખડેએ ધ્રુવ શોરી અને રવિકુમાર સમર્થ સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો: 'ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટનપદેથી હટાવ્યો...', પૂર્વ ક્રિકેટરનો સનસનીખેજ આરોપ
અમન મોખડેનું શાનદાર પ્રદર્શન
અમન મોખડે માટે વર્તમાન ડોમેસ્ટિક સીઝન કોઈ સપના સમાન સાબિત થઈ રહી છે, જેમાં તેણે માત્ર વન-ડે ફોર્મેટમાં જ નહીં પરંતુ ક્રિકેટના તમામ ફોર્મેટમાં રન બનાવ્યા છે. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ સીઝનમાં તેણે અત્યાર સુધી કુલ 8 સેન્ચુરી અને 5 ફિફ્ટી ફટકારી છે. તેણે રણજી ટ્રોફીની માત્ર 7 ઇનિંગ્સમાં 577 રન બનાવ્યા છે, જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 206 રન નોંધાવ્યા છે. ખાસ કરીને વિજય હઝારે ટ્રોફીમાં તેનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે, જ્યાં તેણે 9 ઇનિંગ્સમાં 781 રન બનાવ્યા છે. આમ, દરેક ફોર્મેટમાં સાતત્યપૂર્ણ રમત રમીને તેણે પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
આ ધમાકેદાર પ્રદર્શનને કારણે વિદર્ભની ટીમ પ્રથમ વખત વિજય હઝારે ટ્રોફીના ખિતાબની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 18 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે, જેમાં સૌની નજર ફરી એકવાર આ ફોર્મમાં ચાલી રહેલા બેટર પર રહેશે.


