ટીમ ઇન્ડિયાએ હાથ ન મિલાવતા શોએબ અખ્તરનું દર્દ છલકાયું, કહ્યું- રમત અને રાજકારણ ભેગા ન કરશો
IND vs PAK Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું છે. વિવાદોથી ઘેરાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય જીતની નજીક દેખાઈ ન હતી. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા 127 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમે 25 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે ભારતીય ટીમે સુપર-4 (એશિયા કપ ઇન્ડિયા સુપર 4) માં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું જ નથી, પરંતુ જાહેરમાં તેમનું અપમાન પણ કર્યું છે. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરીને આ કર્યું છે. ટોસ દરમિયાન ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગી સાથે હાથ નહોતો મિલાવ્યો, ત્યારબાદ જ્યારે તેઓ મેચ જીતી ગયા ત્યારે પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ પર કોઈ ધ્યાન આપ્યું નહીં. ભારતીય ટીમના કોઈ પણ સભ્યએ તેમની સાથે હાથ ન મિલાવ્યો. હવે આની અસર ઇસ્લામાબાદ સુધી દેખાઈ રહી છે. મેચ જીત્યા બાદ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી. હવે આ વાત પૂર્વ પાકિસ્તાની ખેલાડી શોએબ અખ્તરને પસંદ ન આવી.
સૂર્યકુમાર યાદવે પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા શોએબ અખ્તરનું દર્દ છલકાયું. પાકિસ્તાની ટીવી ચેનલ પર લાઇવ શો દરમિયાન તેનું દર્દ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. આ દરમિયાન મહિલા એન્કરનું રિએક્શન પણ જોવા લાયક હતું.
શોએબ અખ્તરે શું કહ્યું
શોએબ અખ્તરે એક પાકિસ્તાની ટીવી ચેનલ પર કહ્યું કે, 'ભારત સારું રમ્યું, રમત અને રાજકારણ ભેગા ન કરશો. અમે તમારા માટે સારી વાતો કહી રહ્યા છીએ. અમે તમારા માટે એક મોટું સ્ટેટમેન્ટ આપ્યું જ છે. હેન્ડશેક કરી લો. એમાં કોઈ વાંધો નથી. લડાઈ થતી રહે છે. તે ઘરોમાં થાય છે. હું તે નથી કરી શકતો. જો હું મેદાન પર હોત તો મેં ચોક્કસપણે હાથ મિલાવ્યા હોત.'
આ પહેલા સૂર્યકુમારે મેચ પછી બ્રોડકાસ્ટર્સને કહ્યું હતું કે, 'મને લાગે છે કે આ એક શાનદાર તક છે અને અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે ઉભા છીએ અને અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અમે આજની જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માગીએ છીએ, જેમણે અદમ્ય હિંમત બતાવી અને આશા રાખીએ છીએ કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે અને જ્યારે પણ અમને તક મળશે, ત્યારે અમે તેમને મેદાન પર હસવા માટે વધુ કારણો આપીશું.'
આ પણ વાંચો: 'અમુક વસ્તુ ખેલ ભાવનાથી ઉપર, પહલગામ...' સૂર્યકુમારે જણાવ્યું હાથ ન મિલાવવાનું કારણ
જ્યારે એક પત્રકારે સૂર્યકુમારને પૂછ્યું કે શું તમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરવો રમતની ભાવના વિરુદ્ધ છે? આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે કેટલીક બાબતો રમતની ભાવનાથી ઉપર હોય છે.