શાહીન આફ્રિદીનો પ્લાન B...', ભારત-પાકિસ્તાન મેચ અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો
Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 સપ્ટેમ્બર એટલે કે રવિવારના રોજ એશિયા કપ 2025 સુપર-4નો બીજો મુકાબલો રમાશે. આ ટુર્નામેન્ટમાં જ્યારે બંને ટીમો પહેલી વાર આમને-સામને થઈ હતી, ત્યારે ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. ને હેન્ડશેક વિવાદ બાદ આ મેચ પર સૌની નજર રહેશે. જોકે, પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને શુભમન ગિલ વચ્ચેની ટક્કર જોવાનું રસપ્રદ રહેશે.
શાહીન આફ્રિદી પાસે પ્લાન B હોવો જરૂરી
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમનું માનવું છે કે, આફ્રિદીએ ખાસ કરીને ગિલ સામે પોતાની રણનીતિ બદલવી પડશે અને માત્ર પોતાના ટ્રેડમાર્ક યોર્કર પર જ આધાર ન રાખવો જોઈએ. બ્રોડકાસ્ટર સાથે વાત કરતા આ દિગ્ગજ લેફ્ટ-આર્મ પેસરે સમજાવ્યું કે, 'વિશ્વભરના બેટ્સમેન હવે આફ્રિદીની રણનીતિ સમજી ગયા છે, ત્યારે આવી સ્થિતિમાં તેની પાસે પ્લાન B હોવો જરૂરી છે.'
અકરમે કહ્યું કે, 'આખી દુનિયા જાણે છે કે તેની પ્લાનિંગ શું છે. એટલા માટે આફ્રિદી પાસે પ્લાન B હોવો જોઈએ. એક કે બે યોર્કર ઠીક છે પરંતુ સતત બે કે ત્રણ નહીં, કારણ કે જો તે એક પણ ચૂકી જાય, તો ચોગ્ગો પાક્કો છે. માત્ર બે ફિલ્ડરો બહાર રહે છે, આવી સ્થિતિમાં તે પોતાના પર જ દબાણ લાવે છે. હું જાણું છું કે તે વિકેટ માટે એટેક કરવા માંગે છે, પરંતુ લેન્થ બોલ મિક્સ કરવું વધુ સારું છે.'
આફ્રિદીના નામે 275 આંતરરાષ્ટ્રીય વિકેટ
ગિલ અને આફ્રિદીની ટક્કર પહેલા પણ ઘણી વખત વન-ડેમાં ચર્ચામાં રહી છે. આફ્રિદીના નામે 275 આંતરરાષ્ટ્રીય વિકેટ છે અને તેણે દબાણ વાળી મેચોમાં ભારતના ટોપ ઓર્ડરને તહસ-નહસ કરી નાખવાની ઓળખ બનાવી છે. ગિલ રવિવારે પાકિસ્તાન સામે માત્ર બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, પરંતુ આ વખતે ભારતના વાઈસ-કેપ્ટન પાસેથી વધુ અપેક્ષાઓ રહેશે.
પાકિસ્તાન માટે આફ્રિદીની બોલિંગ ભારતની મજબૂત બેટિંગ લાઈનઅપને રોકવા માટે સૌથી મોટી ચાવી હશે. આ એશિયા કપમાં આફ્રિદીએ ત્રણ મેચમાં ત્રણ વિકેટ લીધી છે અને 64 મહત્વપૂર્ણ રન પણ બનાવ્યા છે. પરંતુ રવિવારે તેનું અસલી કામ નવા બોલ સાથે હશે.
બીજી તરફ ગિલ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો. T20 સેટઅપમાં વાપસી કરનારા ગિલે ત્રણ મેચમાં માત્ર 31 રન બનાવ્યા છે, જેમાં પાકિસ્તાનના સૈમ અયુબ સામે માત્ર 10 રન સામેલ છે.