સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સમાંથી કપાશે પત્તું? ફ્રેન્ચાઈઝી સાથે વિવાદ થયાની ચર્ચા
Sanju Samson IPL: આજકાલ IPL ટ્રેડ માર્કેટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રાજસ્થાન રોયલ્સ (RR) અને તેનો કેપ્ટન સંજુ સેમસન છે. શું સેમસન ટીમમાં રહેશે? શું ફ્રેન્ચાઇઝી તેનું સ્થાન બીજા ખેલાડીને આપશે કે, પછી હરાજી માટે રિલીઝ કરશે? જવાબ એટલો સરળ નથી કારણ કે આ મામલો જટિલ છે. નિયમો અને વ્યક્તિગત મંતવ્યો નડી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે જો કોઈ ખેલાડી પોતે ટીમમાં રહેવા માંગતો નથી, તો શું ફ્રેન્ચાઇઝી તેને રોકી શકે છે?
સંજુએ કરી આ માગ
વિશ્વસનીય સૂત્રો અનુસાર, સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે સેમસને ફ્રેન્ચાઇઝી પાસેથી ઔપચારિક રીતે માંગ કરી છે કે તેને ટ્રેડ કરવામાં આવે અથવા હરાજીમાં રિલીઝ કરવામાં આવે. સેમસનના પરિવારના સભ્ય પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે, તે હવે ફ્રેન્ચાઈઝી સાથે રહેવા માગતા નથી. સેમસનના અમુક અંગત ખેલાડી મિત્રોએ પણ ખાતરી કરી છે કે, સેમસનના ટીમ સાથએ હવે પહેલાં જેવા સંબંધો નથી.
નિયમ શું કહે છે?
આઈપીએલમાં એક વખત કોઈ ખેલાડી રિટેન અથવા હરાજી દ્વારા ટીમમાં જોડાય તો તેણે તે ટીમ સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવાનો હોય છે. આવી સ્થિતિમાં, ખેલાડી રિલીઝનો નિર્ણય લઈ શકતુ નથી. પરંતુ ફ્રેન્ચાઇઝી નિર્ણય લેવા સક્ષમ હોય છે. તે નિયમ હેઠળ કાયદેસર રીતે, સેમસન 2027 સિઝન સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે.
ફ્રેન્ચાઈઝી માટે પણ પડકાર
રાજસ્થાન માટે આ પરિસ્થિતિ મૂંઝવણભરી છે. શું એવા ખેલાડીને ટીમમાં રાખવા જોઈએ જે પોતે ટીમમાં રહેવા માંગતો નથી? આટલા મોટા ખેલાડીને આ રીતે છોડી દેવાનું પણ મુશ્કેલ છે. રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટે સંજુને કિશોરાવસ્થાથી જ તૈયાર કર્યો છે, તેણે આ સમયે લગભગ દરેક ટીમનો સંપર્ક કર્યો છે. જાણવા માટે કે કોઈ ફ્રેન્ચાઇઝી આ ટ્રેડમાં રસ ધરાવે છે કે નહીં. કેટલીક ટીમો સાથે પ્રારંભિક વાતચીત પણ કરી છે.
બેટિંગ ક્રમ કારણ બન્યો?
કેપ્ટન તરીકે, સંજુને તેની બેટિંગ પોઝિશન નક્કી કરવાની સ્વતંત્રતાની અપેક્ષા હતી. તે ટીમ ઇન્ડિયાની T20માં ઓપનિંગ કરે છે, પરંતુ ગત આઈપીએલ સિઝનમાં, યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની યુવા ઓપનિંગ જોડીને ઓપનર તરીકે સ્થાન મળતાં સેમસનની જૂની ભૂમિકા જોખમમાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ પણ મતભેદોનું એક મોટું કારણ હતું.
સેમસનનો રાજસ્થાન સાથે જૂનો સંબંધ
2015 માં કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી રિલીઝ થયા પછી સંજુ રાજસ્થાનમાં જોડાયો હતો અને ત્યારથી તે આ ફ્રેન્ચાઇઝીનો ચહેરો બની ગયો છે. તે 2016 અને 2017 માં ટીમના સસ્પેન્શન દરમિયાન બહાર રહ્યો હતો. એક સમય હતો જ્યારે સચિન તેંડુલકર પોતે તેની પ્રતિભાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેણે મેચ પછી તેને વ્યક્તિગત રીતે મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે મીટિંગમાં સચિને તેની બેટિંગની ખૂબ પ્રશંસા કરી હતી.