પાકિસ્તાની ખેલાડીની ઇંગ્લેન્ડમાં મેચ દરમિયાન ધરપકડ, કસ્ટડીમાં રડી પડ્યો, PCBએ કર્યો સસ્પેન્ડ
Pakistani Cricketer Haidar ali News : પાકિસ્તાન ક્રિકેટનો યુવા ખેલાડી હૈદર અલી એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. ઈંગ્લેન્ડમાં તેની કથિત દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પીસીબીએ પણ એક્શન લેતા તેને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
શું હતો મામલો?
જોકે આ મામલે હૈદર અલીને જામીન મળી ગયા છે. ગ્રેટ માન્ચેસ્ટર પોલીસે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે 4 ઓગસ્ટ 2025ના રોજ અમને દુષ્કર્મ મામલે એક ફરિયાદ મળી હતી. જેના પર કાર્યવાહી કરતાં 24 વર્ષીય ક્રિકેટરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે 23 જુલાઈ 2025ના રોજ તેણે માનચેસ્ટરમાં એક મહિલા પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે હાલ પૂછપરછ બાદ તેને જામીન આપી દેવામાં આવ્યા છે. પીડિતાને પોલીસ સહાય કરી રહી છે.
પીસીબીએ કરી મોટી કાર્યવાહી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી હૈદર અલીને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો છે. પીસીબીએ એક નિવેદનમાં કહ્યું, 'પીસીબી યુનાઇટેડ કિંગડમની કાનૂની પ્રક્રિયાઓ અને પ્રક્રિયાઓનું સંપૂર્ણ સન્માન કરે છે અને તપાસને તેના માર્ગે ચાલવા દેવાના મહત્વને સમજે છે. તેથી, પીસીબીએ ચાલુ તપાસના પરિણામ સુધી તાત્કાલિક અસરથી હૈદર અલીને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.'