શુભમન ગિલ નહીં પણ આ ખેલાડીથી ઈંગ્લેન્ડની ટીમ ડરે છે...દિગ્ગજ ક્રિકેટરનો દાવો
Images Sourse: Instagram |
ENG vs IND 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે. જેમાં યજમાન ઈંગ્લેન્ડ સીરિઝમાં 2-1થી આગળ છે. ચોથી મેચ 23મી જુલાઈથી માન્ચેસ્ટરના મેદાન પર રમાશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે એવા ભારતીય ખેલાડીનું નામ લીધું જેનાથી ઈંગ્લેન્ડની ટીમ ડરે છે. તેમણે કેપ્ટન શુભમન ગિલનો ઉલ્લેખ કર્યો ન હતો, જે વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જો કે, સંજય માંજરેકરે રિષભ પંત નામ આગળ રાખ્યું છે.
રિષભ પંતે સીરિઝમાં 425 રન બનાવ્યા
ભારતના સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંતે સીરિઝમાં અત્યાર સુધીમાં છ ઈનિંગ્સમાં 425 રન બનાવ્યા છે. તે પોતાની આક્રમક અને નીડર બેટિંગ માટે જાણીતા છે. લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન રિષભ પંતને આંગળીમાં ઈજા પહોંચી હતી. તેમણે વિકેટકીપિંગ ન હતું કર્યું, પરંતુ પહેલી ઈનિંગ્સમાં 74 રન બનાવીને ઈંગ્લેન્ડને લાંબા સમય સુધી બેકફૂટ પર રાખ્યું હતું. લોર્ડ્સમાં 22 રનની નજીકની હાર બાદ ગિલે પંતની વિકેટને ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો હતો. ત્યારે હવે એક ઈન્ટરવ્યૂમાં સંજય માંજરેકરે જણાવ્યું હતું કે, 'રિષભ પંત પોતાની ઢબમાં રમે છે, ભલે પરિસ્થિતિ ગમે તે હોય. તેમને રમવાની સ્વતંત્રતા મળવી જોઈએ. મને લાગે છે કે પંત પાંચમા નંબર પર એક મોટો ખેલાડી છે. તે એક એવો બેટર છે જેનાથી ઇંગ્લેન્ડ ડરે છે.'
કેપ્ટન શુભમન ગિલ વિશે સંજય માંજરેકરે કહ્યું કે, 'ભારતીય ટીમ ચોથા નંબરે આવતા ગિલ પર નિર્ભર નથી. તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. પરંતુ ભારતે એ પણ જોવું જોઈએ કે ગિલે લોર્ડ્સમાં બેટિંગમાં કોઈ યોગદાન આપ્યું ન હતું અને તેમ છતાં બેટિંગ ઓર્ડર પડકારજનક હતો. તે સારી વાત છે કે આપણે ગિલ પર સંપૂર્ણપણે નિર્ભર નથી.'
ચોથી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. 17મી જુલાઈ પ્રેક્ટિસ સેશનમાં અર્શદીપ સિંહના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. હવે પસંદગીકારોએ તેમના સ્થાને અંશુલ કંબોજને ભારતીય ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.'