ભારતીય ટીમનો સ્ટાર બોલર ઈન્જર્ડ, હાથમાં ટાંકા આવ્યા, ચોથી ટેસ્ટમાંથી બહાર, નવા ફાસ્ટરની એન્ટ્રી
India VS England 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ બુધવારે (23મી જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. આ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. 17મી જુલાઈ પ્રેક્ટિસ સેશનમાં અર્શદીપ સિંહના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી.
અર્શદીપ સિંહના કવર તરીકે આ બોલરને ટીમમાં સ્થાન મળ્યું
અહેવાલો અનુસાર, ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપ સિંહને ગંભીર ઈજા થઈ છે. તેમને ટાંકા પણ લગાવ્યા છે. તેમને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઓછામાં ઓછા દસ દિવસ લાગશે. પસંદગીકારોએ અંશુલ કંબોજને ભારતીય ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.'
અંશુલ કંબોજે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા-એ ટીમ માટે બે ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. 24 વર્ષીય અંશુલ કંબોજે આ બંને મેચમાં પોતાની ગતિ અને ચુસ્ત લાઇનથી પસંદગીકારો અને ચાહકોને પ્રભાવિત કર્યા હતા.
અંશુલ કંબોઝનો રેકોર્ડ કેવો છે?
અંશુલ કંબોઝે અત્યાર સુધીમાં 24 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 22.88 ની સરેરાશથી 79 વિકેટ લીધી છે અને બેટથી 486 રન પણ બનાવ્યા છે. તે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ભાગ લીધો હતો. અંશુલે CSK માટે 8 મેચોમાં 21.50 ની સરેરાશથી 8 વિકેટ લીધી હતી.
ચોથી ટેસ્ટ માટે 18 ખેલાડીઓની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કરુણ નાયર, અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અંશુલ કંબોજ, કુલદીપ યાદવ.