'આ તો ભયાનક કહેવાય...' બેંગલુરુ નાસભાગની ઘટના અંગે તેંડુલકર સહિત દિગ્ગજો દુઃખી
Indian cricketers reaction on Bengaluru stampede: IPL 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(RCB)ની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી હતી, જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે આ દુર્ઘટના અંગે ક્રિકેટ જગતના દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ ખૂબ જ ભયાનક ત્રાસદાયક છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 18 વર્ષ બાદ પ્રથમ વખત IPL ખિતાબ જીત્યો છે. ગઈકાલે આ જીતના જશ્ન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 11 લોકોના મોત અને 30 લોકો ઘાયલ થયા હતા.
સચિન તેંડુલકરે X પર લખ્યું કે, 'બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે થયું તે ભયાનક છે. અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના. તમામને શાંતિ અને શક્તિ મળે.'
દક્ષિણ આફ્રિકા અને RCBના પૂર્વ બેટ્સમેન એબી ડિવિલિયર્સે લખ્યું કે, 'ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર થયેલી દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના અને પ્રાર્થના.'
ભારતના પૂર્વ કૅપ્ટન અને કોચ તથા બેંગ્લુરુના નિવાસી અનિલ કુંબલેએ તેને ક્રિકેટ માટે દુઃખદ દિવસ ગણાવ્યો. તેમણે લખ્યું કે, 'ક્રિકેટ માટે દુ:ખદ દિવસ. RCBની જીતનો જશ્ન મનાવવામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના.'
યુવરાજ સિંહે લખ્યું કે, 'ઉજવણીની ક્ષણ એક અકલ્પનીય દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. બેંગલુરુ દુર્ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ પ્રત્યે મારી સંવેદના. મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને શક્તિ મળે.'