Get The App

750 કિલોનો બાસ્કેટબોલ પોલ અચાનક તૂટી પડતાં રોહતકના નેશનલ ખેલાડીનું દુઃખદ મોત

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
Rohtak Basketball Player Death


Rohtak Basketball Player Death: હરિયાણાના રોહતક જિલ્લાના લાખન માજરા ગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આજે સવારે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. ગામના બાસ્કેટબોલ કોર્ટ પર 16 વર્ષનો નેશનલ લેવલનો હોનહાર ખેલાડી હાર્દિક એકલો પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સવારે લગભગ દસ વાગ્યે જ્યારે તે પોલ પર લટકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જર્જરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આખો પોલ તેના પર તૂટી પડ્યો હતો. જેના કારણે ખેલાડીનું મોત નીપજ્યું હતુ.

CCTVમાં કેદ થઈ દર્દનાક દુર્ઘટના

ખેલાડી હાર્દિક પહેલીવાર પોલ પર લટક્યો, ત્યારે તો કોઈ સમસ્યા ન થઈ, પરંતુ બીજી વાર તેણે જેવો પોલ પકડ્યો કે તરત જ 750 કિલોનો બાસ્કેટબોલ પોલ ધડાકાભેર સીધો તેના ઉપર પડ્યો. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે.

પોલ પડતાં જ આસપાસ પ્રેક્ટીસ કરતા અન્ય ખેલાડીઓ તરત દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક હાર્દિકને પોલ નીચેથી બહાર કાઢ્યો અને તેને ગંભીર હાલતમાં PGI રોહતક ખાતે સારવાર માટે લઈ ગયા. જોકે, સારવાર શરૂ થયાના થોડા સમય બાદ જ તેણે દમ તોડી દીધો. આ રીતે, નબળી વ્યવસ્થાને કારણે દેશે એક રાષ્ટ્રીય સ્તરના ઉભરતા હોનહાર ખેલાડીને ગુમાવ્યો.

મેડલ વિજેતા ખેલાડીની કરુણ વિદાય

મૃતક ખેલાડી હાર્દિક માત્ર લોકલ લેવલનો નહીં, પણ નેશનલ લેવલનો પ્રતિભાશાળી ખેલાડી હતો. તેણે અનેક નેશનલ સ્તરે યોજાયેલી સ્પર્ધાઓમાં પદકો જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું, જેમાં કાંગડામાં સિલ્વર મેડલ, હૈદરાબાદ અને પુડુચેરીમાં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. એક હોનહાર ખેલાડીની આ અણધારી વિદાયથી તેના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: 'ઘૂંટણીએ લાવી દેવા માગતા હતા..' દ.આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ, ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી!

બે દિવસમાં બે મોત: સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે સવાલ

રોહતકની આ ઘટના એકલી નથી. બે દિવસ પહેલા હરિયાણાના બહાદુરગઢના હોશિયારસિંહ સ્ટેડિયમમાં પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે સાંજે લગભગ સાડા ત્રણ વાગ્યે પ્રેક્ટિસ કરી રહેલા 15 વર્ષીય ખેલાડી અમન પર પણ અચાનક બાસ્કેટબોલનો પોલ પડ્યો હતો. તેને પણ તાત્કાલિક PGI રોહતક લઈ જવામાં આવ્યો, પરંતુ તે પણ બચી શક્યો નહોતો. બે દિવસમાં બે યુવા ખેલાડીઓના આ કરુણ મોતે સમગ્ર હરિયાણાના સ્પોર્ટ્સ સ્ટેડિયમોની સુરક્ષા વ્યવસ્થા અને જર્જરિત બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને અકસ્માતોમાં પોલ તૂટી પડવાની કે જમીનમાંથી ઉખડી જવાની ઘટના સામે આવી છે, જે તંત્રની બેદરકારી સૂચવે છે.

750 કિલોનો બાસ્કેટબોલ પોલ અચાનક તૂટી પડતાં રોહતકના નેશનલ ખેલાડીનું દુઃખદ મોત 2 - image

Tags :