Get The App

'ઘૂંટણીએ લાવી દેવા માગતા હતા..' દ.આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ, ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી!

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
'ઘૂંટણીએ લાવી દેવા માગતા હતા..' દ.આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ, ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી! 1 - image


Shukri Conrad grovel Remark: ભારત સામેની બીજી ટેસ્ટમાં 549 રનના પહાડ જેવા લક્ષ્ય સામે ભારતીય ટીમ જ્યારે સિરીઝમાં સૂપડા સાફ થવાના જોખમ સામે ઝઝૂમી રહી છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડના એક અભિમાની અને વિવાદાસ્પદ નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. કોનરાડે બડાઈ મારતા કહ્યું કે તેઓ ભારતીય ટીમને "ઘૂંટણિયે પાડી દેવા" માંગતા હતા, જે એક એવો શબ્દ છે જેનો ઇતિહાસ રંગભેદ અને ગુલામીની પીડાદાયક યાદો સાથે જોડાયેલો છે.

શું કહ્યું દ.આફ્રિકાના કોચે? 

ચોથા દિવસની રમતના અંતે પ્રેસ કોન્ફરન્સમાં, કોનરાડે પોતાના વિલંબિત ઇનિંગ્સ ડિક્લેરેશનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતાં કહ્યું, "અમે ઇચ્છતા હતા કે ભારતીય ટીમ મેદાન પર વધુમાં વધુ સમય વિતાવે. અમે તેમને ઘૂંટણિયે પાડી દેવા માંગતા હતા (આ વાક્ય હું ચોરી રહ્યો છું) અને અમે મેચને તેમની પહોંચની બિલકુલ બહાર લઈ જવા માંગતા હતા." કોનરાડે આ માટે 'ગ્રોવેલ' (Grovel) શબ્દનો ઉપયોગ કરીને વિવાદને જન્મ આપ્યો છે.

ગ્રોવેલ શબ્દનો અર્થ શું? 

'ગ્રોવેલ' શબ્દનો અર્થ જમીન પર સુવડાવી દેવા કે પછી ઘસડાવું થાય છે. આ એ જ અપમાનજનક શબ્દ છે જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકી મૂળના શ્વેત ક્રિકેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટોની ગ્રેગે 1976માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે કર્યો હતો, જેનો સંદર્ભ ગુલામીના ઇતિહાસ સાથે જોડાયેલો હતો. હવે સવાલ એ ઉઠે છે કે શું ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ પોતાના અશ્વેત કોચ દ્વારા વિરોધી ટીમ માટે આવા વાંધાજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ કોઈ પગલાં લીધા છે કે નહીં.

જ્યારે કોનરાડને પૂછવામાં આવ્યું કે ઇનિંગ્સ ડિક્લેર કરવામાં આટલો વિલંબ કેમ કર્યો, કારણ કે આનાથી ભારત મેચ ડ્રો પણ કરાવી શકે છે, ત્યારે તેમણે પોતાની રણનીતિને યોગ્ય ઠેરવવા માટે તર્ક આપ્યા. તેમણે કહ્યું, "અમે નવા બોલનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તે વિચારી રહ્યા હતા, જેથી સવારે અમને નવો અને સખત બોલ મળી શકે. અમે જોયું કે સાંજે જ્યારે પિચ પર છાંયો આવે છે, ત્યારે ઝડપી બોલરોને મદદ મળે છે. તેથી અમે બહુ જલદી ઇનિંગ્સ ડિક્લેર કરવા માંગતા ન હતા."

અમે જાણીએ છીએ કે તેઓ હાર માનતા નથી... 

પોતાની હોશિયારી બતાવતા તેમણે ઉમેર્યું, "અને દેખીતી રીતે, અમે ઇચ્છતા હતા કે ભારત મેદાનમાં પોતાના પગ પર વધુમાં વધુ સમય વિતાવે." જોકે, કોનરાડ એ પણ જાણે છે કે ભારત 8મા નંબર સુધી મજબૂત બેટિંગ ધરાવે છે અને તે સરળતાથી હાર માની લેશે નહીં. તેમણે કહ્યું, "અમે જાણીએ છીએ કે તેઓ હાર માનનારા નથી. અમારે કાલે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે."

કેટલાક ક્રિકેટ પંડિતોનું માનવું છે કે કોનરાડે લાંબા સમય સુધી બેટિંગ કરાવીને ભૂલ કરી છે. જો ભારત આ મેચ બચાવવામાં સફળ રહે, તો કોનરાડની આ "રણનીતિ" તેના ઘમંડનું પ્રતિક બની જશે. તેણે ભારતીય બોલરોને થકવી દેવાનો દાવો કર્યો છે, પરંતુ એ જોવું રહ્યું કે આ રણનીતિ દક્ષિણ આફ્રિકાને જીત અપાવે છે કે પછી મેચ ડ્રો થવા પર તેના માટે બહાના સિવાય બીજું કંઈ નહીં બચે. 

Tags :