કરિયર બચાવવા માટે રોહિત શર્માનો મોટો નિર્ણય! ઑસ્ટ્રેલિયા-A વિરુદ્ધ 3 વનડે મેચ રમે તેવી અટકળો
Rohit Sharma Took Big Decision: રોહિત શર્માને લઈને તાજેતરમાં અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે ઓક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા સામે સીરિઝ બાદ વનડે ઈન્ટરનેશનલમાંથી પણ સંન્યાસ લઈ શકે છે. જોકે, રોહિતની એક્શન તો કંઈક બીજી જ દિશા દર્શાવી રહી છે. હવે કરિયર બચાવવા માટે રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતમાં ઑસ્ટ્રેલિયા-A વિરુદ્ધ સીરિઝમાં રમવા ઈચ્છે છે. રોહિત આ સીરિઝમાં સારું પ્રદર્શન કરીને કોન્ફિડન્સ સાથે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર જવા માગે છે.
કરિયર બચાવવા માટે રોહિત શર્માનો મોટો નિર્ણય
એક અહેવાલ પ્રમાણે રોહિતે ઑસ્ટ્રેલિયા સીરિઝ પહેલાઑસ્ટ્રેલિયા-A વિરુદ્ધ 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રમાનારી અનઓફિશિયલ વનડે સીરિઝમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયા-A ટીમ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસ પર આવશે અને અહીં ભારત-A ટીમ સામે બે અનઓફિશિયલ ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચ રમશે. બંને ટેસ્ટ મેચ લખનઉમાં રમાશે, જ્યારે વનડે મેચ કાનપુરમાં રમાશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, રોહિતને ઑસ્ટ્રેલિયા પ્રવાસ બાદ વનડેના ભવિષ્ય વિશે વિચારવા માટે કહેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં રોહિત એ દરેક પ્રયાસ કરી રહ્યો છે, જેનાથી તેનું ટીમમાં સ્થાન બની રહે. રોહિત કદાચ એટલે જ ઑસ્ટ્રેલિયા-A વિરુદ્ધ રમવા માટે તૈયાર થઈ રહ્યો છે, જેથી તે પોતાના પ્રદર્શનથી લોકોને જવાબ આપી શકે.
આ પણ વાંચો: હવે જે બોલર આ ખાસ ટેસ્ટ પાસ કરશે તેને જ ટીમ ઈન્ડિયામાં મળશે એન્ટ્રી: BCCIએ બદલ્યો નિયમ
છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો રોહિત
વનડે ટિમનો કોપ્ટન રોહિત ભારત માટે છેલ્લી વાર વનડે મેચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે 76 રનોની ધમાકેદાર ઈનિંગ રમી હતી. રોહિતે ભારતને ટ્રેફી જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ટેસ્ટ અને T20થી લઈ ચૂક્યો છે સંન્યાસ
તમને જણાવી દઈએ કે, રોહિત ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલથી સંન્યાસ લઈ ચૂક્યો છે. રોહિતે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધુ હતું. ત્યારબાદ આ જ વર્ષે મે મહિનામાં રોહિતે ટેસ્ટ ક્રિકેટથી પણ સંન્યાસ લઈને ચાહકોને હેરાન કરી દીધા હતા. રોહિત હવે ભારત માટે વનડે રમતો દેખાશે.