હવે જે બોલર આ ખાસ ટેસ્ટ પાસ કરશે તેને જ ટીમ ઈન્ડિયામાં મળશે એન્ટ્રી: BCCIએ બદલ્યો નિયમ
BCCI New Fitness Test: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ માટે નવો નિયમ આવ્યો છે. આ નિયમનું નામ બ્રોંકો ટેસ્ટ (Bronco Test) છે. આ નિયમ રગ્બીમાંથી લેવામાં આવ્યો છે. જેનાથી ખેલાડીઓની એરોબિક અને દોડવાની ક્ષમતાને પરખવામાં આવશે. આ ટેસ્ટ મેદાન પર ટકી રહેવા અને લાંબા અંતર સુધી રનિંગ ક્ષમતાની જાણ થશે.
બ્રોંકો ટેસ્ટ મુખ્યત્વે બોલર્સ માટે છે. આ ટેસ્ટને પાસ કર્યા બાદ જ ખેલાડી ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ખેલાડીઓની શારીરિક ક્ષમતા વધારવા તેમજ લાંબા સમય સુધી ફિટ રાખવા માટે બ્રોંકો ટેસ્ટ અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ દ.આફ્રિકાનો આ ખેલાડી ફરી વિવાદોમાં, ડેબ્યૂ મેચમાં બોલિંગ એક્શન પર ઉઠ્યા સવાલ
શું છે બ્રોંકો ટેસ્ટ?
બ્રોંકો ટેસ્ટને સરળ ભાષામાં ફિટનેસ ટેસ્ટ તરીકે ઓળખી શકાય. બ્રોંકો ટેસ્ટથી ખેલાડીઓની એરોબિક અને દોડવાની ક્ષમતા જાણી શકાશે. જેમાં ખેલાડીએ એક સેટમાં 20 મીટર, 40 મીટર અને 60 મીટરની શટલ રન પૂરી કરવાની છે. આ પ્રકારના કુલ પાંચ સેટ રોકાયા વિના પૂરા કરવાના રહેશે. ભારતીય ખેલાડીઓએ આ બ્રોંકો ટેસ્ટ છ મિનિટની અંદર પાસ કરવાની રહેશે. જેમાં પાંચ સેટમાં આશરે 1200 મીટરની દોડ રહેશે.
શા માટે લેવાયો નિર્ણય?
બ્રોંકો ટેસ્ટની ભલામણ સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ એડ્રિયન લે રૉક્સે કરી હતી. તેના પર હેડ કોચ ગૌતમ ગંભીરે પણ સહમતિ દર્શાવી હતી. ફાસ્ટ બોલર જિમના બદલે રનિંગ પર વધુ ફોકસ કરે તે હેતુ સાથે આ નિર્ણય લેવાયો છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બોલર લાંબા લાંબા સ્પેલ ફેંકવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન માત્ર મોહમ્મદ સિરાઝ તમામ પાંચ ટેસ્ટ રમી શક્યો હતો. દરેક સેશનમાં તેણે ફાસ્ટ બોલિંગ કરી વિકેટ લીધી હતી. જ્યારે અન્ય બોલર્સ લાંબા સ્પેલ ફેંકવામાં હાંફી ગયા હતા. જેથી આ નવી ફિટનેસ ટેસ્ટ સામેલ કરવી પડી.