રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટથી કેમ લીધી નિવૃત્તિ? 4 મહિના બાદ કર્યો ખુલાસો, ઉંમરને લઈને જુઓ શું કહ્યું
Rohit Sharma Test Cricket: ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ખેલાડીઓ નિવૃત્તિને લઈને ચર્ચામાં છે. છેલ્લા 9 મહિનામાં 7 ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી છે, જેની શરૂઆત રવિચંદ્રન અશ્વિને કરી હતી અને ચેતેશ્વર પૂજારા આ યાદીમાં છેલ્લો ખેલાડી છે. અશ્વિન પછી વરુણ એરોન, રિદ્ધિમાન સાહા, રોહિત શર્મા, વિરાટ કોહલી, પિયુષ ચાવલા અને પૂજારાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે રોહિત અને વિરાટે હજુ વન ડે ફોર્મેટમાં નિવૃત્તિની જાહેરાત કરી નથી. ભારતની ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો હતો. ટેસ્ટના કેપ્ટન રોહિત શર્માએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના અમુક દિવસો પછી કોહલીએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ બંને ખેલાડીએ T20 વર્લ્ડકપ પછી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. હવે રોહિત શર્માએ જણાવ્યું છે કે શા માટે તેણે ટેસ્ટ ક્રિકેટ માટે નિવૃત્તિ લીધી હતી.
રોહિતે શા માટે નિવૃત્તિ લીધી?
એક ઈવેન્ટમાં વાતચીત દરમિયાન રોહિત શર્માએ ખુલાસો કર્યો કે ‘પાંચ દિવસ સુધી ટેસ્ટ ક્રિકેટ રમવું માનસિક રીતે ખૂબ જ પડકારજનક અને થાક લાગે તેવું હોય છે.’
આ એક સંકેત હોઈ શકે છે કે તેણે આ ફોર્મેટમાં શા કારણે નિવૃત્તિ લીધી. આ દરમિયાન રોહિતે એ પણ યાદ કર્યું કે મુંબઈમાં પ્રારંભિક દિવસોમાં ત્રણ દિવસ સુધી ક્લબ ક્રિકેટ રમવાથી તેને કઠિન સ્થિતિઓનો સામનો કરવા કેવી રીતે મદદ મળી હતી. રોહિતે કહ્યું કે ‘ટેસ્ટ ક્રિકેટમાં તમને પાંચ દિવસ સુધી ટકવું પડે છે. માનસિક રીતે તે ખૂબ પડકારજનક હોય છે. મુંબઈમાં અહીં ક્લબની મેચો પણ બે કે ત્રણ દિવસ સુધી ચાલે છે. અમે આ જ રીતે મોટા થયા છે. અહીં શરૂઆતના દિવસોથી મેચ રમતા ત્યારે ત્યાંથી શીખ્યું હતું કે કેવી રીતે ટેસ્ટ મેચમાં કઠિન સમસ્યાનો સામનો કેવી રીતે કરવો જોઇએ'.
શું રોહિત શર્મા વન-ડેથી પણ જલદી નિવૃત્ત થશે?
રોહિત અને વિરાટે વન ડે ફોર્મેટમાં હજી નિવૃત્તિ લીધી નથી. રોહિત શર્મા હવે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેમાં ભારતીય ટીમમાં રમતા જોવા મળશે. એવી અફવાઓ પણ છે કે આ સિરીઝ પછી રોહિત શર્મા વન-ડે સિરીઝમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે. જોકે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવ્યું અને કહ્યું કે, 'રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ત્યાં સુધી વન-ડે મેચ રમી શકે છે, જ્યાં સુધી તેમને રમવું હોય.'