મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં ભારતની જીત બાદ રોહિત શર્માની આંખોમાં ઝળઝળિયાં, કોહલીની ભાવુક પોસ્ટ

Women's World Cup 2025 Final Reaction: ટીમ ઇન્ડિયાએ આ વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું. આ ઐતિહાસિક જીતમાં પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ ભાગ લીધો હતો. રોહિત શર્મા ખાસ કરીને મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો જોવા માટે પહોંચ્યો હતો. ભારતની આ જીત બાદ રોહિત શર્માની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ પણ મહિલા ટીમ માટે એક ભાવુક પોસ્ટ લખીને શુભેચ્છાઓ પાઠવી હતી.
રોહિત શર્મા થયો ભાવુક
વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલનો અંત દીપ્તિ શર્માની 45મી ઓવરથી આવ્યો. આ ઓવરના ત્રીજા બોલ પર હરમનપ્રીત કૌરે હવામાં ઉછળીને કેચ પકડ્યો અને ટીમ ઇન્ડિયા આ મેચ જીતી ગઈ. ભારતની જીતની ઘોષણા થતાં જ, જ્યારે કેમેરો ભારતની વન-ડે ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા તરફ વળ્યો, ત્યારે તે આકાશ તરફ જોતા નજરે પડ્યો. ટીમ ઇન્ડિયા માટે તાળીઓ પાડી રહેલા રોહિતની આંખોમાં તે સમયે ખુશીના આંસુ સ્પષ્ટ દેખાતા હતા.
આ પણ વાંચો: વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને અપાયું કરોડોનું ઈનામ! રકમ પુરુષો કરતાં પણ વધુ
વિરાટ કોહલીએ પાઠવ્યા અભિનંદન
વિરાટ કોહલીએ ફાઇનલમાં ભારતની જીતની તરત બાદ જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, 'આવનારી પેઢીઓ માટે તમે પ્રેરણા છો. તમારા નીડર ક્રિકેટ અને આત્મવિશ્વાસથી તમે દરેક ભારતીયને ગૌરવનો અનુભવ કરાવ્યો છે. તમે બધા આ તમામ પ્રશંસાના હકદાર છો અને આ ક્ષણનો પૂરો આનંદ માણો. હરમન અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ.'

