રિષભ પંતની ફિટનેસને લઈને ફેન્સ માટે ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી
Rishabh Pant Fitness: ભારતીય ટીમના વિકેટકીપર અને બેટર રિષભ પંતે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પગની ઈજામાંથી સ્વસ્થ થવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, રિષભ પંતના પગ પરનું પ્લાસ્ટર દૂર કરવામાં આવ્યું છે અને તે હવે આરામથી ચાલી શકે છે. 27 વર્ષીય રિષભ પંત ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જશે, જ્યાં તે રિહેબિલિટેશનના ભાગ રૂપે ટ્રેનિંગ શરૂ કરશે.
રિષભ પંતને ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ મેચમાં ઈજા પહોંચી હતી
અહેવાલો અનુસાર, રિષભ પંતને માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટના પહેલા દિવસે પગમાં ઈજા પહોંચી હતી. જ્યારે તેણે ક્રિસ વોક્સ સામે રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ પગમાં વાગતાં તેને મેદાન છોડવું પડ્યું હતું અને બાદમાં તે કંટ્રોલ્ડ એન્કલ મોશન (CAM) બુટમાં જોવા મળ્યો હતો. આમ છતાં તે બીજા દિવસે પાછો ફર્યો અને શાનદાર અડધી સદી ફટકારી હતી
નોંધનીય છે કે, રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો અને તેણે બાકીની ટેસ્ટ માટે વિકેટકીપિંગ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એવા અહેવાલ વહેતા થયા હતા કે, રિષભ પંત ભારતની આગામી ઘરઆંગણેની સીરિઝમાં નજર આવશે, જે બીજી ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી હશે. પહેલી મેચ અમદાવાદમાં અને બીજી દિલ્હીમાં રમાશે.